હમાસના આતંકીઓ મસ્જિદ અને સ્કૂલનો ઉપયોગ ઈઝરાયેલ પર રોકેટ લોન્ચ માટે કરી રહ્યા છે
image : Twitter
તેલ અવીવ,તા.7 નવેમ્બર 2023,મંગળવાર
હમાસ સાથે ચાલી રહેલા યુધ્ધમાં હવે ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘૂસીને ગ્રાઉન્ડ એટેક કરી રહી છે. સાથે સાથે ઈઝરાયેલની એર સ્ટ્રાઈક પણ યથાવત છે.
અત્યાર સુધીમાં આ હુમલાઓમાં 10000 કરતા વધારે લોકોના મોત થઈ ચુકયા છે. ઈઝરાયેલી ગ્રાઉન્ડ ફોર્સ બીજી તરફ હમાસના આશ્રય સ્થાનોને ટાર્ગેટ કરી રહી છે. કેટલીક જગ્યાઓ પર ઈઝરાયેલી સેનાએ કબ્જો પણ કરી લીધો છે. ઈઝરાયેલની સેનાએ હવે સ્ફોટક આરોપ લગાવ્યો છે કે, હમાસના લડાકુઓ રોકેટ લોન્ચ કરવા માટે મસ્જિદો અને સ્કૂલોનો ઉપયોગ કરી રહ્યા છે.
પોતાના આરોપના સમર્થનમાં ઈઝરાયેલની સેનાએ બે વિડિયો પણ વાયરલ કર્યા છે. જેમાં એક ઈઝરાયેલી સૈનિક એક સ્કૂલની ઈમારતને દર્શાવી રહ્યો છે. જેની દીવાલો પર બાળકોના પેઈન્ટિંગ પણ લગાવાયેલા છે. સૈનિકનુ કહેવુ છે કે, આ સ્કૂલનો ઉપયોગ ઈઝરાયેલ પર રોકેટ લોન્ચ કરવા માટે કરાઈ રહ્યો હતો.
ઈઝરાયેલની સેનાએ જે બીજો વિડિયો રિલિઝ કર્યો છે તેમાં ખંડેરમાં ફેરવાઈ ગયેલી ઈમારત જોવા મળી રહી છે. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે, આ મસ્જિદ છે અને અહીંયા રોકેટ લોન્ચરનો સ્ટોક કરવામાં આવ્યો છે. જેથી ઈઝરાયેલ પર અહીંથી હુમલા થઈ શકે.
બીજી તરફ ગ્રાઉન્ડ એટેકમાં છેલ્લા 24 કલાકમાં હમાસના 450 આશ્રય સ્થાનોને બરબાદ કર્યા હોવાનો દાવો ઈઝરાયેલે કર્યો છે. જેમાં મિલિટરી બેઝ, ચેક પોસ્ટ અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટનો સમાવેશ થાય છે. હમાસના એક મિલિટરી બેઝને ઈઝરાયેલે પોતાના કબ્જામાં પણ લીધુ છે.