હમાસને વધુ એક મોટો ફટકો, નવા વડા સિનવારનું પણ મોત ! ઈઝરાયલી સેનાનો દાવો
Hamas New Chief Yahya Sinwar Dead : ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને વધુ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. હુમલામાં હમાસના નવા રાજકીય નેતા યાહ્યા સિનવારનું મોત થયું હોવાના શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, ‘અમે સિનવારના મોત અંગે તપાસ કરી રહ્યા છે અને હુમલામાં હમાસના નવા વડાનું મોત થયું હોવાની સંપૂર્ણ સંભાવના છે. થોડા દિવસો પહેલા જ યાહ્યા સિનવારનું મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે કેટલાક અહેવાલોમાં તેના મોતનું ખંડન કરવામાં આવ્યું હતું. હવે ઈઝરાયલી સેનાએ આશંકા વ્યક્ત કરી તેના મોતની તપાસ કરી રહી છે.
આતંકવાદીઓની ઓળખ ન થઈ શકી
મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં હમાસના વડા સિનવારનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. સેનાએ ત્રણ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હોવાનું પણ કહ્યું હતું. સેનાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ‘આવા ઓપરેશન વખતે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવતી નથી. અમારી સેનાએ જે બિલ્ડિંગમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારાયા હતા, ત્યાં બંધકો પણ હતા.’
હાનીયાના મોત બાદ સિનવારને નેતા બનાવાયા હતા
નોંધનીય છે કે, સિનવાર સાત ઓક્ટોબર-2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો, જેના કારણે ગાઝામાં મોટા પાયે યુદ્ધ થયું હતું. ઓગસ્ટમાં તેહરાનમાં ભૂતપૂર્વ નેતા ઈસ્માઈલ હાનીયાની હત્યા બાદ તેમને હમાસના નેતા જાહેર કવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલો મુજબ સિનવાર ઈઝરાયલના વોન્ટેડ લિસ્ટમાં ટોપ પર હતો, પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. તે કદાચ છેલ્લા બે દાયકામાં હમાસ દ્વારા ગાઝાની નીચે બાંધવામાં આવેલી ટનલના નેટવર્કમાં છુપાયેલો હતો.
હિઝબુલ્લાના વડા પણ મોતને ઘાટ ઉતારાયા હતા
ગત મહિને ઈઝરાયલે બેરુતમાં હિઝબુલ્લાહ આંદોલનના નેતા હસન નસરલ્લારને માર્યો હતો. આ ઉપરાંત સૈન્યના ટોચના નેતૃત્વને પણ મારી નાખ્યો હતો. હમાસના બંધુકધારીએએ ગત વર્ષે 7મી ઓક્ટોબરે ઈઝરાયેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1200 લોકોના મોત થયા ગતા, જ્યારે બંદૂક ધારીઓ 250થી વધુ લોકોને બંધક બનાવી લઈ ગયા હતા. વળતા જવાબમાં ઈઝરાયલના ઓપરેશનમાં 42000થી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના મોટાભાગના વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ત્યાંના મોટાભાગના લોકો વિસ્થાપિત થઈ ગયા છે. જ્યારથી હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો છે, ત્યારથી આ યુદ્ધ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : ડ્રેગન નેપાળની ધરતી ગળી રહ્યો છે : નેપાળની સરહદ પર કબ્જો જમાવી દિવાલ બનાવી