હમાસે ઈઝરાયલ પર કર્યો હુમલો : તેલ અવીવ પર છોડ્યા ઘાતક M90 રોકેટ
Israel-Hamas War: ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસે મંગળવારે (13 ઓગસ્ટ) ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. હમાસની સશસ્ત્ર શાખા અલ-કાસમ બ્રિગેડે ઇઝરાયલના શહેર તેલ અવીવ પર બે ઘાતક M-90 રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલાને કારણે તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી. જો કે, ઇઝરાયલી મીડિયા અનુસાર વિસ્ફોટ થયા બાદ કોઇના માર્યા જવાના સમાચાર સામે આવ્યા નથી.
ઇઝરાયલી વાયુસેનાએ હુમલા અંગે માહિતી આપી
હમાસના હુમલા અંગે ઇઝરાયલી વાયુસેનાએ નિવેદન આપી જણાવ્યું કે, અમે એક રોકેટને ડિટેક્ટ કર્યો હતો, જે ગાઝા પટ્ટીને પાર કરી દેશના મધ્ય વિસ્તારમાં સમુદ્રી ક્ષેત્રમાં પડ્યો હતો. આ હુમલા અંગે કોઇ પ્રકારનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો નહોતો. તે જ સમયે બીજા રોકેટને પણ ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જે ઇઝરાયલ સુધી પહોંચ્યો નહોતો. હમાસે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી તેને લાગુ કરવા જણાવ્યા બાદ આ હુમલો કર્યો છે.
ઇઝરાયલી સેનાએ પલટવાર કર્યો
હમાસના હુમલાનો જવાબ આપવા ઇઝરાયલે શરણાર્થી શિબિરમાં બદલાયેલી એક શાળા પર ભયંકર હુમલો કર્યો હતો. ઇઝરાયલના આ હુમલામાં ઓછામાં ઓછા 80 પેલેસ્ટીનીઓના મોત થયા છે. ઉપરાંત ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં વધુ વિસ્તારો ખાલી કરવાના આદેશ આપ્યા છે. ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશમાં ખાન યુનુસ શહેરના ઘણાં વિસ્તારોને ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ઇઝરાયલ દ્વારા અગાઉ માનવાધિકાર સહાયતા ક્ષેત્ર તરીકે માન્યતા અપાયેલા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા મુજબ આ જ વિસ્તારોમાંથી ઇઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા.
ઇઝરાયલના હુમલામાં 80નાં મોત
ઇઝરાયલે ગાઝા શહેરમાં એક શાળા પર હુમલો કર્યો હતો. આ શાળાની અંદર હજારો લોકોએ શરણ લીધી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ હુમલામાં 80 લોકોના મોત થયા છે અને 50 જેટલા લોકો ઘાયલ છે. જો કે, ઇઝરાયેલનું કહેવું છે કે આ હુમલામાં હમાસના 19 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે. ઉપરાંત ઇઝરાયલે હમાસ અને અન્ય આતંકવાદીઓ પર નાગરીકો વચ્ચે છુપાવવાનો અને રહેણાંક વિસ્તારોમાંથી હુમલા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.