બંધક બનાવાયેલા બાળકો પર પણ હમાસનો જુલમઃ બાઈકના સાયલેન્સર પર પગ મુકાવીને ડામ આપ્યા
image : Twitter
તેલ અવીવ,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
ઈઝરાયેલ સાથે યુધ્ધ વિરામના ભાગરુપે હમાસે બંધક બનાવાયેલા જે ઈઝરાયેલી નાગરિકોને છોડયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
હમાસના કબ્જામાં રહેલા બાળકો પર પણ હમાસના આતંકીઓએ અત્યાચાર ગુજાર્યા હતા અને તેની ચોંકાવનારી વિગતો હવે બહાર આવી રહી છે. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ અનુસાર હમાસના આતંકીઓ બંધકોને મારતા હતા અને તેમણે બાળકોને પણ છોડયા નહોતા. અપહરણ કરેલા બાળકોને ઓળખી શકાય તે માટે તેમના પગ બાઈકના ગરમ સાયલેન્સર પર મુકીને તેમને ડામ આપવામાં આવતા હતા.
ન્યૂઝ ચેનલના કહેવા અનુસાર અપહરણ બાદ વારંવાર બંધક બનાવાયેલા બાળકોની જગ્યા બદલવામાં આવતી હતી. જોકે આ બાળકો અપહરણ કરીને લાવવામાં આવ્યા છે તે કોઈને પણ ખબર પડી શકે તે માટે બાળકોના એક પગને સાયલેન્સર પર મુકીને ડામ આપવામાં આવ્યા હતા. જેથી કોઈ બાળક જો ભાગવાનો પ્રયત્ન કરે તો પગ પર દાઝયાના નિશાનના કારણે તેમની ઓળખ થઈ શકે.
રિપોર્ટ પ્રમાણે હમાસની કેદમાંથી આઝાદ થયેલા 12 વર્ષના યાગિ તેમજ 16 વર્ષના યાકોવ નામના બાળકોના પરિવારે ઉપરોકત જાણકારી આપી હતી. તેમના કાકાના કહેવા પ્રમાણે બાળકોને સતત નશીલી દવાઓ પણ અપાતી હતી . જેથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આસાની રહે.
અત્યાર સુધી હમાસે 97 લોકોને મુકત કર્યા છે પણ હજી તેની પાસે બીજા 159 નાગરિકો બંધક હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.