Israel-Hamas War : રશિયા-ચીન-UNએ ગાઝાની હોસ્પિટલ પર હુમલાની કરી નિંદા, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે આપી પ્રતિક્રિયા

ગાઝાની હોસ્પિટલ પર મિસાઈલ હુમલા અંગે વિશ્વભરના નેતાઓએ ટીકા કરી

સંયુક્ત રાષ્ટ્ર સહિત રશિયા, ચીને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવા આહવાન કર્યું

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : રશિયા-ચીન-UNએ ગાઝાની હોસ્પિટલ પર હુમલાની કરી નિંદા, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે આપી પ્રતિક્રિયા 1 - image

મોસ્કો, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધ (Israel-Hamas War)માં ચારેકોર તબાહી મચી છે, હમાસે શરૂ કરેલા અમાનવીય હુમલા બાદ ઈઝરાયેલ પણ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. યુદ્ધ વચ્ચે ગાઝાની હોસ્પિટલ પર મિસાઈલ હુમલો (Gaza Hospital Attack) થતા 500થી વધુના મોત નિપજ્યા છે, તો મૃત્યુઆંક વધવાની પણ આશંકા સેવાઈ રહી છે. યુદ્ધને લઈ વિશ્વભરના નેતાઓ ચિંતિત બન્યા છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ગાઝા હોસ્પિટલ પરના હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે, બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે (Antonio Guterres) પણ યુદ્ધને લઈ મહત્વની પ્રતિક્રિયા આપી છે.

ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે બોલ્યા પુતિન

યુદ્ધ વચ્ચે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પ્રતિક્રિયા આપી છે. પુતિને કહ્યું કે, હોસ્પિટલ પર બોંબમારો એક ભયાનક તબાહી હતી. તેમણે કહ્યું કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું સંઘર્ષ સમાપ્ત થવું જોઈએ.

તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર : UN મહાસચિવ

બીજી તરફ ચીનની રાજધાની બીજિંગની મુલાકાતે પહોંચેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં તાત્કાલિક માનવીય યુદ્ધવિરામ કરવાનું આહવાન કર્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉપસ્થિતિમાં ગુટેરસે કહ્યું કે, મધ્યપૂર્વમાં બની રહેલી ઘટના પર ધ્યાન આપવું પડશે.

ચીને પણ હોસ્પિટલ પર હુમલાની ટીકા કરી

ચીને પણ ગાઝાની હોસ્પિટલ પર બોંબમારાની નિંદા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ પરના હુમલામાં ઘણા લોકોના મોત નિપજવાથી ચિન સ્તબ્ધ છે અને તેને કડક ટીકા કરી છે. ચીને તાત્કાલિક યુદ્ધવિરામ અને યુદ્ધ સમાપ્તિનું આહવાન કર્યું છે.

ગાઝા હોસ્પિટલ રોકેટથી હુમલામાં 500ના મોત

ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો (Gaza Hospital Attack) થયો હતો, જેમાં 500 લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 4500થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે.


Google NewsGoogle News