Israel-Hamas war | યુદ્ધવિરામ થશે કે નહીં? ઈઝરાયલી સૈન્યના નિવેદને ફરી દુનિયાનું ટેન્શન વધાર્યું!
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 47 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે
ઈઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ કપરાં દિવસો હશે અને કંઈ પણ નક્કી નથી
image : IANS |
Israel vs Hamas war Updates | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 47 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાર દિવસ માટે યુદ્ધવિરામની શરૂઆત થશે તેવી શક્યતા છે. દુનિયાભરના દેશો આ યુદ્ધવિરામને લઈને રાહતના શ્વાસ લઈ રહ્યા છે ત્યારે ઈઝરાયલી સૈન્યના એક નિવેદને ફરી દુનિયાનું ટેન્શન વધારવાનું કામ કર્યું છે.
જાણો શું કહ્યું ઈઝરાયલી સૈન્યએ
ઈઝરાયલી સૈન્યએ આ યુદ્ધવિરામ અંગે વાતચીત કરતાં કહ્યું હતું કે અમારા સૈનિકો ગાઝામાં યુદ્ધવિરામની બોર્ડર પાછળ રહેશે. ઈઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ કપરાં દિવસો હશે અને કંઈ પણ નક્કી નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે આ યુદ્ધવિરામની પ્રક્રિયા દરમિયાન અનેક ફેરફાર થઈ શકે છે. ઉત્તર ગાઝા પર નિયંત્રણ એક લાંબા યુદ્ધની દિશામાં પ્રથમ પગલું છે. અમે આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ.
આજથી યુદ્ધવિરામ શરૂ થવાનું છે
કતારમાં આ યુદ્ધવિરામને લઈને મધ્યસ્થીઓએ કહ્યું છે કે યુદ્ધ દરમિયાન બંધક બનાવાયેલા 13 ઈઝરાયલી મહિલાઓ અને બાળકોના પ્રથમ જૂથને આજે મુક્ત કરાશે. આ અહેવાલનું દુનિયાભરના દેશોએ સ્વાગત કર્યું. પણ સાત સપ્તાહથી જારી આ ખતરનાક યુદ્ધમાં પ્રથમ યુદ્ધવિરામની યોજના શરૂઆતથી લઈને અત્યાર સુધી જેમ જેમ આગળ વધી છે તેમ તેમ બંને વચ્ચે યુદ્ધ આક્રમક સ્તરે પહોંચતું ગયું છે.