પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર, રાષ્ટ્રપતિ અલ સિસીએ આપ્યુ આવુ કારણ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર, રાષ્ટ્રપતિ અલ સિસીએ આપ્યુ આવુ કારણ 1 - image

image : Twitter

કૈરો,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પાડોશી દેશ ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાના દેશમાં શરણ આપવાનો ઈનકાર કર્યો છે. 

ગાઝા સાથે ઈજિપ્તની બોર્ડર જોડાયેલી છે અને ગાઝાના હજારો લોકો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં બચવા માટે ઈજિપ્તમાં શરણ લેવા માંગે છે પણ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સિસીએ કહ્યુ છે કે, બોર્ડર ખોલવાથી અને ગાઝાના લોકોને શરણ આપવાથી આ વિવાદનુ કોઈ સમાધાન થવાનુ નથી. દુનિયાના બીજા દેશો અમને બોર્ડર ખોલવાની સલાહ આપવાની જગ્યાએ આ મામલાનો ઉકેલ લાવવા પર વિચાર કરે. 

તેમણે કહ્યુ હતુ કે, મોટી સંખ્યામાં ગાઝાના લોકો ઈજિપ્તમાં આવશે તો તેના કારણે નવા પ્રકારની સમસ્યાઓ ઉભી થશે. ખાસ કરીને  અહીં વસેલા લોકો ઈજિપ્તની ધરતીનો ઉપયોગ ઈઝરાયેલ સામે હુમલો કરવા માટે પણ કરી શકે છે. અમે પેલેસ્ટાઈનની સમસ્યાનો ઉકેલ લશ્કરી તાકાત પર લાવવા માટેના પ્રયત્નોમાં નથી માનતા, અમે લશ્કરી કાર્યવાહી પર પણ ભરોસો નથી કરી રહ્યા અને પેલેસ્ટાઈનના લોકોના વિસ્થાપનના હકમાં પણ નથી. ઈજિપ્ત નથી ઈચ્છતુ કે આ વિસ્તારમાં લોકોને મોટી સંખ્યામાં હિજરત કરવી પડે. જો આવુ થયુ તો વેસ્ટ બેન્ક-જોર્ડન જેવી સમસ્યા ઉભી થશે. જો પેલેસ્ટાઈનના લોકો વિસ્થાપિત થયા તો તેમના માટે અલગ દેશની સંભાવના ખતમ થઈ જશે. 

ઈજિપ્તે જોકે ગાઝાના લોકોને જીવન જરુરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે પોતાની બોર્ડર ખોલવા માટે તૈયારી બતાવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ હતુ કે, ઈજિપ્ત અને ગાઝા વચ્ચેની રાફા બોર્ડર પરથી માનવ સહાયતા માટે 20 ટ્રકો પસાર કરવાની મંજૂરી ઈજિપ્તે આપી છે. 

ઉલ્લેખનીય છે કે, ગાઝાના લોકોને બહાર નિકળવુ હોય તો એક માત્ર રાફા બોર્ડર જ રસ્તો છે અને તેના કારણે અત્યારે આ વિસ્તારનુ મહત્વ વધી ગયુ છે. અહીંયા ગાઝાના હજારો લોકો જમા થયા છે. જેમને આશા છે કે, જો બોર્ડર ખુલી તો અમે ઈજિપ્તમાં શરણ લઈશું. 


Google NewsGoogle News