પાકિસ્તાને કર્યું હમાસનું સમર્થન? ઈઝરાયલ હુમલા અંગે કરી દીધી આવી વાત, ઈરાને પણ કરી ખુલીને વાત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાને કર્યું હમાસનું સમર્થન? ઈઝરાયલ હુમલા અંગે કરી દીધી આવી વાત, ઈરાને પણ કરી ખુલીને વાત 1 - image


Image Source: Twitter

- કતાર અને કુવૈતે આ માટે ઈઝરાયેલને જ જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

હમાસના હુમલા બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં પાકિસ્તાને પોતાના માટે તક શોધી કાઢી છે અને તે ટૂ સ્ટેટ થ્યોરીની તરફેણ કરી વકાલાત કરી રહ્યું છે. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હકે મિડલ ઈસ્ટમાં વધી રહેલી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને પેલેસ્ટાઈનની સમસ્યા ને વિશ્વ દ્વારા સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તો બીજી તરફ કતાર અને કુવૈતે આ માટે ઈઝરાયલને જ જવાબદાર ઠેરવ્યું છે.

પાકિસ્તાનની ટૂ સ્ટેટની દલીલ 

આ ઘટના પર પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ. અમે આ ઘટનાને કારણે જે લોકોના મોત થઈ રહ્યા છીએ તેનાથી ચિંતિત છીએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલાને 'ટુ સ્ટેટ' થિયોરી સાથે જોડીને કહ્યું કે પાકિસ્તાન મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ માટે હંમેશાથી ટૂ સ્ટેટ સમાધાનનું હિમાયત કરતું આવ્યું છે. 

પાકિસ્તાને કહ્યું કે પેલેસ્ટાઈનનો પ્રશ્ન ન્યાયી રીતે ઉકેલવો જોઈએ તો જ આ ક્ષેત્રમાં શાંતિ બની રહેશે. પાકિસ્તાનના મતે પેલેસ્ટાઈનની સમસ્યાને આંતરરાષ્ટ્રીય નિયમો, સંયુક્ત રાષ્ટ્રની જોગવાઈઓ અને ઈસ્લામિક કાઉન્સિલના સંગઠનની જોગવાઈઓ પ્રમાણે ઉકેલવાની જરૂર છે.

પાકિસ્તાને એકપક્ષીય નિવેદન જારી કરતા કહ્યું કે, એક સાર્વભૌમ પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ જેની સરહદો 1967ની સ્થિતિના પહેલા જેવી જ હોય અને જેની રાજધાની અલ કુદ્સ અલ શરીફ હોય.

ઈરાને હમાસના હુમલાનું કર્યું સમર્થન

કુવૈતે ઈઝરાયલ અને પેલેસ્ટિનિયનો વચ્ચેના ઘટનાક્રમ પર પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જબરજસ્ત હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ ઈરાને હમાસ અને પેલેસ્ટિનિયન લડવૈયાઓને સમર્થન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના એક સલાહકારે શનિવારે પેલેસ્ટિનિયન લડવૈયાઓને અભિનંદન પાઠવ્યા હતા. યાહ્યા રહીમ સફાવીનો હવાલો આપતા કહેવામાં આવ્યું હતું કે, પેલેસ્ટાઈન અને યેરુસલેમની આઝાદી સુધી અમે પેલેસ્ટિનિયન લડવૈયાઓની સાથે ઊભા રહીશું.

ઈઝરાયલની નીતિઓ ટાઈમ બોમ્બ: આરબ લીગ

આરબ લીગના પ્રમુખ અહેમદ અબુલ ઘીતે ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી અને બંને પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણને રોકવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ દ્વારા હિંસક અને ઉગ્રવાદી નીતિઓનો સતત અમલ એ એક ટાઇમ બોમ્બ છે જે નજીકના ભવિષ્યમાં આ ક્ષેત્રને સ્થિરતાના અવસરથી વંચિત કરી રહ્યું છે.

યમન હમાસના સમર્થનમાં આવ્યું, ગૌરવ અને રક્ષાની લડાઈ ગણાવી

યમનની રાજધાની સના પર નિયંત્રણ રાખનારા હુથી બળવાખોરોએ કહ્યું કે, તેઓ વીર જેહાદી ઓપરેશનનું સમર્થન કરે છે. એક નિવેદનમાં આ જૂથે કહ્યું કે આ હુમલાથી ઈઝરાયલની નબળાઈ અને નપુંસકતા સામે આવી છે. યમને ઓપરેશનને સન્માન, ગૌરવ અને સંરક્ષણ માટેની લડાઈ ગણાવી છે.

પેલેસ્ટાઈનના પક્ષમાં કતાર

કતારના વિદેશ મંત્રાલયે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ પર કહ્યું કે, પેલેસ્ટિનિયન લોકો સાથે વધતી હિંસા માટે એકલું ઈઝરાયલ જવાબદાર છે. તેમણે બંને પક્ષોમાં સંયમ રાખવાનું આહવાન કર્યું છે.

કબજાની પ્રતિક્રિયામાં હમાસની કાર્યવાહી: લેબનાન

ઈઝરાયલના કટ્ટર દુશ્મન લેબનાની જૂથ હિઝબુલ્લાહે કહ્યું કે, તે પેલેસ્ટિનિયન પ્રતિરોધના નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતા અને તેમણે હમાસના હુમલાને ઈઝરાયલના સતત કબજાની પ્રતિક્રિયાના રૂપમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી છે. 



Google NewsGoogle News