Get The App

હાલ ગાઝામાં યુદ્ધવિરામ નહીં કરીએ... જાણો હમાસ સામે ઈઝરાયલના PM નેતન્યાહુએ શું શરત મૂકી

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
હાલ ગાઝામાં યુદ્ધવિરામ નહીં કરીએ... જાણો હમાસ સામે ઈઝરાયલના PM નેતન્યાહુએ શું શરત મૂકી 1 - image


Israel-Hamas Cease Fire: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ફરી એકવાર ટળી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે, નેતન્યાહુએ કહ્યું કે, જ્યાં સુધી ઈઝરાયલને હમાસ પાસેથી મુક્ત કરાયેલા બંધકોની યાદી ન મળે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય.

ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ નહીં થાય?

યુદ્ધવિરામના માંડ એક કલાક પહેલાં, ઈઝરાયલના વડાપ્રધાને પોતાની ચેતવણીનું પુનરાવર્તન કર્યું, જેનાથી યુદ્ધવિરામની સંભાવના ફરી ઓછી થઈ ગઈ છે. જોકે બીજીબાજુ, હમાસે નામ સોંપવામાં મોડુ કરવા માટે 'ટેક્નિકલ ખામી' ને જવાબદાર ગણાવી છે. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ. 

આ પણ વાંચોઃ ભારત બાદ અમેરિકામાં TikTok સત્તાવાર રીતે બંધ, યુઝર્સ પાસે માફી માગી, ચીન પર જાસૂસીનો આરોપ

કરાર માટે ઈઝરાયલ નેતાઓએ કર્યો વિરોધ

જણાવી દઈએ કે, ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે હમાસ સાથે થયેલાં એક કરારને ઈઝરાયલની કેબિનેટના છ કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક બાદ શનિવારે મંજૂરી આપી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કેબિનેટના આઠ સભ્યોએ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, 24 મંત્રીઓએ કરારનું સમર્થન કર્યું. વિરોધીઓએ કહ્યું કે, આ કરાર હમાસની સામે આત્મસમર્પણ દર્શાવે છે. 

ઈઝરાયલ તરફથી બોમ્બારો યથાવત

ઈઝરાયલના ન્યાય મંત્રાલયે 737 પેલેસ્ટાઇનના કેદીઓની યાદી જાહેર કરી છે, જેને ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હેઠળ મુક્ત કરવાના હતાં. જો કે, કરાર પર સંમતિ દર્શાવ્યા બાદ પણ ઈઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ હુમલા ચાલુ જ છે. શનિવારે ગાઝા પર ઈઝરાયલ દ્વારા બોમ્બારો કરાયો હતો. આ હવાઈ હુમલામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પેલેસ્ટાઇનના સિવિલ ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે, બુધવારે યુદ્ધવિરામ કરારની જાહેરાત કર્યા બાદ ઈઝરાયલના બોમ્બારામાં 123 પેલેસ્ટાઇનના લોકોના મોત નિપજ્યા હતા. 

આ પણ વાંચોઃ નાઈજીરિયામાં ગેસોલિન ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, 70 જીવતા ભડથું, ફ્યુલની ચોરી કરતાં બની ઘટના

જણાવી દઈએ કે, સાત ઓક્ટોબર, 2023ના દિવસે હમાસ દ્વારા ઈઝરાયલમાં પ્રચંડ હુમલા કરાયા હતા, જેમાં આશરે 1200 મોત થયા હતાં. આ દરમિયાન 250થી વધુને બંધક બનાવાયા હતા. ત્યારબાદ ઈઝરાયલ તરફથી ગાઝામાં ચલાવાયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી 46,899 લોકોના મોત થઈ ગયા છે. 

ત્રણ તબક્કામાં થશે કરાર

અમેરિકા અને કતારની મધ્યસ્થીમાં થયેલાં કરારની બુધવારે જાહેરાત કરાઈ હતી. હમાસે શુક્રવારે કહ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. હમાસે પહેલાં જ આ કરારનો સ્વીકાર કરી દીધો છે. યુદ્ધવિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે. 

કરાર હેઠળ અઠવાડિયાના પહેલાં તબક્કામાં હમાસ 98 બંધકોમાંથી 33 બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને 50થી વધારે ઉંમરના લોકો હશે. જોકે, ઈઝરાયલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે બે હજાર પેલેસ્ટાઇનના લોકોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરગૌટી જેવા અમુક આતંકવાદી પણ સામેલ છે. બરગૌટી ઈઝરાયલમાં હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. 

ઈઝરાયલના ન્યાય મંત્રાલયે કહ્યું કે, રવિવારે પ્રત્યેક મહિલા બંધકની બદલે 30 પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવામાં આવશે. રવિવારે બંધકોને મુક્ત કર્યા બાદ, પ્રમુખ અમેરિકન વાર્તાકાર બ્રેટ મેકગર્કે કહ્યું કે, કરાર અનુસાર સાત દિવસ બાદ ચાર અન્ય મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. આવતા પાંચ અઠવાડિયામાં બાકીના 26 બંધકોને મુક્ત કરવામાં આવશે.



Google NewsGoogle News