ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં ઈઝરાયલી સેનાની મોટી કાર્યવાહી, 20 આતંકી ઠાર, 200ની ધરપકડ
હોસ્પિટલમાં આતંકી પ્રવૃત્તિની સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરાઈ હોવાનો ઈઝરાયલનો દાવો
પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે કહ્યું, મૃતકો અને ધરપકડ થયેલાઓમાં મોટાભાગના સામાન્ય લોકો
Israel-Hamas War : ઈઝરાયલી સેનાએ ફરી ગાઝાની મુખ્ય હોસ્પિટલ અલ-શિફામાં મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયલે હમાસના 20 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાના તેમજ 200ની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. આઈડીએફે કહ્યું કે, અલ-શિફા હોસ્પિટલમાં આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાની સૂચના મળ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે.
અલ શિફા હોસ્પિટલ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ
અલ શિફા હોસ્પિટલ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. યુદ્ધ બાદ ઉત્તર ગાઝામાં આ માત્ર એક હોસ્પિટલ બચી છે અને તેમાં પણ આંશિક આરોગ્ય સુવિધા અપાઈ રહી છે. આ ઉપરાંત ઈઝરાયલી હુમલામાં ઘર વિહોણા હજારો લોકોએ હોસ્પિટલમાં આશરો લીધો છે. જોકે ઈઝરાયલી સેનાની આ કાર્યવાહી બાદ પેલેસ્ટાઈની લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મૃતકો અને ધરપકડ થયેલાઓમાં મોટાભાગના સામાન્ય લોકો : પેલેસ્ટાઈન
ઈઝરાયલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ હમાસના 20 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો અને 200ની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. જ્યારે પેલેસ્ટાઈન (Palestine)ના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, મૃતકો અને ધરપકડ થયેલાઓમાં મોટાભાગના સામાન્ય લોકો છે. તો બીજીતરફ પેલેસ્ટાઈના હથિયારધારી સંગઠન હમાસે ઈઝરાયલી સેનાએ અલ-સિફા હોસ્પિટલમાં કરેલી કાર્યવાહીની નિંદા કરી છે.