ગાઝામાં ભૂખમરોઃ રાહત સામગ્રી ભરેલી ટ્રકો પર ફાયરિંગ કરીને લોકો લૂંટફાટ ચલાવી રહ્યા છે
image : Socialmedia
ગાઝા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી છેડાયેલા યુધ્ધના કારણે ગાઝામાં હજારો લોકો મોતને ભેટયા છે અને ભૂખમરાનુ ભીષણ સંકટ ઉભુ થયુ છે.
યુએનના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન તેમજ હ્યુમન રાઈટ્સ ઓફિસના અધિકારીઓએ ઉપરોક્ત જાણકારી આપતા કહ્યુ હતુ કે, ગાઝામાં ઓછામાં ઓછી 25 ટકા વસતી એટલે કે લગભગ 5.76 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ગાઝામાં જીવન જરુરિયાની વસ્તુઓની એ હદે અછત છે કે, રાહત સામગ્રી લઈને પહોંચતી ટ્રકો પર લોકો ફાયરિંગ કરી રહ્યા છે અને ટ્રકોમાં રહેલી સામગ્રીની લૂંટફાટ કરી રહ્યા છે. જેના કારણે જરુરિયાતમંદો સુધી રાહત સામગ્રી પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી છે. લોકો રસ્તામાં જ ટ્રકોને લૂંટવા માટે ઘાત લગાવીને બેઠા હોય છે.
અધિકારીઓએ કહ્યુ હતુ કે, આમ તો ગાઝાની 23 લાખની વસતી છે અને મોટાભાગની વસતી માટે ખાવા પીવાની વસ્તુઓની તંગીની સમસ્યા વિકરાળ બની રહી છે પણ ઉત્તરી ગાઝામાં તો સ્થિતિ વધારે ખરાબ છે. જ્યાં લોકોને જીવન જરુરિયાતની વસ્તુઓ માટે ફાંફા મારવા પડી રહ્યા છે.
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન તેમજ હ્યુમન રાઈટ્સ ઓફિસના અધિકારીઓએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને જાણકારી આપતા કહ્યુ હતુ કે, ગાઝામાં સ્થિતિ હજી પણ વધારે ખરાબ થાય તેવી પૂરી શક્યતા છે. ઉત્તરી ગાઝામાં બે વર્ષથી ઓછી વયના બાળકો પૈકી દર છ માંથી એક બાળક કુપોષણનો શિકાર બની રહ્યુ છે. દુનિયાના કોઈ પણ હિસ્સામાં જોવા મળેલા કુપોષણ કરતા પણ ગાઝાના બાળકોમાં કુપોષણનુ પ્રમાણ વધારે છે અને જો બહુ જલદી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી તો ગાઝામાં દુકાળ જેવી સ્થિતિ સર્જાશે.