ગાઝામાં 46 હજારનો ભોગ લીધા બાદ ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ માટે સંમત
- ઇઝરાયેલે ઇજિપ્તની સરહદે વ્યૂહાત્મક સ્થળો અંકુશમાં લીધા
- ગાઝાપટ્ટી પર કબ્જો છોડવા અંગે ઇઝરાયેલે હજી સુધી કોઈપણ પક્ષકારને કોઈ બાંયધરી આપી નથી
તેલ અવીવ : અનિશ્ચિતતા, અવિશ્વાસ અને આશંકાના વાતાવરણ વચ્ચે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધવિરામ કરારને સિક્યોરિટી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની આગેવાની હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયેલના પ્રસારમાધ્યમોમાં આ ડીલને બંધકોને છોડવા માટેનું ડીલ માનવામાં આવે છે.
ઇઝરાયેલની સિક્યોરિટી કેબિનેટે આ ડીલ માટે મંજૂરી આપી દીધી છે. હવે સમગ્ર વિશ્વની નજર આ ડીલનો કેટલો, કેટલી હદ સુધીનો અમલ થાય તેના પર નજર છે. અગાઉ પણ ડીલ કરવાના પ્રયત્નો થઈ ચૂક્યા હતા, પરંતુ તેમા નિષ્ફળતા મળી હતી. આ ડીલ આગામી સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો માર્ગ પ્રશસ્ત કરે તેમ મનાય છે.ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહ્યતોની મુકિત માટે (હમાસ) સાથે સમજૂતી સધાઈ ગઈ છે.
આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે.
હમાસે જણાવ્યું હતું કે હાલમાં તો ૩૩ બંધકોને જ છોડવામાંઆવશે. ઇઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે નીકળી જશે તેના પછી જ સંપૂર્ણપણે ૧૦૦ બંધકો છોડવામાં આવશે.
દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ તેમની સિક્યોરિટી કાઉન્સિલની આજે (શુક્રવારે) સાંજે બેઠક બોલાવવાના છે.
નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલ યુદ્ધનાં તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે.૭ ઓકટો. ૨૦૨૩ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ ૧૨૦૦ જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયલ હમાસ વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં ૪૬૦૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓએ જાન ગુમાવ્યા છે. આ યુદ્ધ અંગે ઘણા ઘણા રાઈટસ ગુ્રપે ઈઝરાયલ ઉપર વોર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે. જેનો ઈઝરાયલે સતત ઇનકાર કરે રાખ્યો છે.
આ પરિસ્થિતિમાં પણ ઈઝરાયલી વડાપ્રધાનનું આ નિવેદન (ગાઝા યુદ્ધમાં) કોઈ સમજૂતી સધાઈ તેવી આશા જન્માવે છે. સાથે જે હજ્જારો પેલેસ્ટાઈનીયન્સ પોતાના ઘરબાર છોડી ચાલ્યા ગયા હતા, નાસી ગયા હતા, તેઓ હવે ફરીથી પોતાનાં રહ્યા સહ્યા ઘરમાં પાછા ફરી શકશે. ગાઝા પટ્ટી ફરી જીવંત બની રહેશે. આ સમજૂતી શુક્રવારે (યુદ્ધ વિરામ સમજૂતી) સધાઈ તે પૂર્વે થોડો અવરોધ ઊભો થયો હતો. હમાસે કેટલાક કારણો (બહાના) પણ તે અંગે દર્શાવ્યા હતા. પરંતુ હવે તે દૂર કરાયા છે. તે માટે બાઇડેન અને ટ્રમ્પે કતારમાં યુદ્ધ વિરામ મંત્રણા માટે મોકલેલી ટુકડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
આ પૂર્વે હમાસે આક્ષેપો કર્યા હતા તે સામે ઈઝરાયલે પણ આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે સામ સામી આક્ષેપબાજી બંધ થઈ હોય તેવું લાગે છે. અને તત્કાળ પુરતો તો આ યુદ્ધ વિરામ અમલી બની શકશે અને અપહ્યતો મુક્ત થઈ શકશે. તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જો કે આ પૂર્વે ઈજીપ્તની સરહદે આવેલો ગાઝા પટ્ટીનો ફીલાડેલ્ફીયા કોરિડોર પણ ઈઝરાયલે હાથમાં લઈ લીધો છે.ઇઝરાયેલનો દાવો છે કે આ ડીલ બંધકોની મુક્તિ પૂરતુ જ છે. આ યુદ્ધવિરામમાં ગાઝા પરના અંકુશ અંગેની બાબત અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડીલનો અમલ ત્રણ તબક્કામાં થશે
નેતન્યાહુએ સૂચના આપી છે કે છૂટેલા બંધકોને મેળવવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ રચવામાં આવે. બંધકોના કુટુંબોને આ અંગે માહિતી આપી દેવાઈ છે. કેબિનેટે ડીલને મંજૂરી આપતા તેનો પ્રારંભ રવિવારથી થશે તેમ મનાય છે, તે દિવસે પ્રથમ બંધક છોડવામાં આવશે. આ ડીલ હેઠળ ૧૦૦માંથી ૩૩ બંધકોને છ સપ્તાહમાં છોડવામાં આવશે. તેના બદલામાં ઇઝરાયેલ પેલેસ્ટાઇનીઓને છોડશે. ઇઝરાયેલી દળો પણ કેટલાક વિસ્તારમાંતી પીછેહઠ કરશે. તેના પછી બીજા તબક્કામાં પુરુષ સૈનિકો સહિતના બંદીઓને છોડવામાં આવશે. તેના પછી અત્યંત મુશ્કેલ અને આકરા તબક્કામાં વાટાઘાટો વહેલા થશે. હમાસે જણાવી દીધું છે કે ઇઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે નીકળી ન જાય ત્યાં સુધી હમાસ તેની પાસે રહેલા છેલ્લા બંધકોને નહીં છોડે. આ અંગે ઇઝરાયેલનું કહેવું છે કે તેઓ હમાસને ખતમ કરવાની કાર્યવાહી જારી રાખશે અને આખા વિસ્તાર પર તેનો અંકુશ પણ જાળવી રાખશે. જો કે યુદ્ધ પછી ગાઝા પર કોનું શાસન રહેશે તેવા લાંબાગાળાના પ્રશ્નો તો હજી ઊભા જ છે.