ગાઝામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત, ઈઝરાયલ પર પદ્ધતિસર રીતે નરસંહાર કરવાનો હમાસનો આરોપ
Image:ians
Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. ગાઝા શહેરમાં શુક્રવારે (12મી જુલાઈ) થયેલી હિંસક ઘટનામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા હતા. હમાસના એક અધિકારીએ ઈઝરાયલ પર પદ્ધતિસર નરસંહારનો આરોપ લગાવ્યો હતો.
તાલ અલ-હવા વિસ્તારમાંથી 70 મૃતદેહો મળ્યા
હમાસની સરકારી મીડિયા ઓફિસના ડાયરેક્ટર જનરલ ઈસ્માઇલ અલ-થવાબતાએ દાવો કર્યો હતો કે, 'ઈઝરાયલની સેનાએ પૂર્વ ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટિનિયનોને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં આદેશ આપ્યો હતો. તેઓ પહોંચ્યા ત્યારે તેમના પર ગોળીબાર કર્યો હતો.'
આ પણ વાંચો: નાઈજિરિયામાં મોટી કરુણાંતિકા, સ્કૂલની ઈમારત ધરાશાયી થતાં 22 વિદ્યાર્થીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
ઈસ્માઇલ અલ-થવાબતાએ જણાવ્યું હતું કે, 'બચાવ ટીમને તેલ અલ-હવા વિસ્તારમાંથી 70 મૃતદેહ મળ્યા છે અને ઓછામાં ઓછા 50 લોકો ગુમ છે. કેટલાક વિસ્થાપિત લોકો સફેદ ધ્વજ લઈને ઈઝરાયલની સેના તરફ ઈશારો કરીને કહે છે કે, 'અમે લડાકુ નથી, અમે વિસ્થાપિત છીએ. પરંતુ ઈઝરાયલની સેનાએ આ વિસ્થાપિત લોકોને નિર્દયતાથી મારી નાખ્યા. ઈઝરાયેલની સેના તાલ અલ-હવામાં તે નરસંહારને અંજામ આપવાની યોજના બનાવી રહી હતી.'
ગાઝા સિવિલ ઇમરજન્સી સર્વિસેના જણાવ્યાનુસાર, ગયા અઠવાડિયે ગાઝાના તેલ અલ-હવા અને સાબરા વિસ્તારમાંથી અંદાજે 60 પેલેસ્ટિનિયનોના મૃતદેહ મળી આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાંથી ટેન્કો હટી ગઈ હતી, પરંતુ ઈઝરાયલના સ્નાઈપર્સ અને ટેન્કોએ અમુક જમીન પર નિયંત્રણ કરવાનું ચાલુ રાખ્યું હતું. બચાવ ટીમે રહેવાસીઓને હાલમાં પાછા ન ફરવા જણાવ્યું છે.