દુઃખદ સમાચાર: ઈઝરાયલના હુમલામાં 10 વર્ષીય 'સ્કેટિંગ ગર્લ'નું મોત, આખી દુનિયા સ્તબ્ધ
Israel-Hamas war: ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી આખી દુનિયા સ્તબ્ધ. તાલા અબુ અજવા નામની 10 વર્ષની બાળકી તેના પિતાને જીદ કરીને સ્કેટિંગ કરવા માટે બહાર ગઈ હતી. થોડી જ વારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો અને માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યુ હતું.
વિસ્ફોટમાં ઈમારત ધરાશાયી થઈ
અહવાલો અનુસાર, આ ઘટના મંગળવારે (ચોથી સપ્ટેમ્બર) બની હતી. મૃતક બાળકીના પિતાએ જણાવ્યું કે, 'તે વારંવાર બહાર રમવાની જીદ કરી રહી હતી. બાદમાં મેં તેમને રમવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન અચાનક વિસ્ફોટનો અવાજ સાંભળીને આખો પરિવાર બહાર આવી ગયો હતો. આ વિસ્ફોટમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. તાલા પણ ઈમારતના કાટમાળ નીચે દટાઈ જતા મૃત્યુ પામી હતી.'
મૃતક તાલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાલાનો મૃતદેહ સફેદ કપડાથી ઢંકાયેલું છે પરંતુ તેના ગુલાબી રંગના સ્કેટિંગ શૂઝ દેખાઈ રહ્યા છે.
ગાઝામાં ઈઝરાયલનો હુમલો
ગાઝામાં શાળાઓ અને હોસ્પિટલો પર થયેલા હુમલાના કારણે ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે, જેના કારણે ઘણાં માસૂમના મૃત્યુ થયા છે. ગાઝામાં યુએન દ્વારા સંચાલિત 70 ટકા શાળાઓ તૂટી ગઈ છે. ગાઝાના બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને આવી સ્થિતિમાં કટ્ટરવાદી શક્તિઓ મજબૂત બનવાનો ખતરો પણ વધી ગયો છે. ગાઝામાં એક આખી પેઢી કટ્ટરવાદી શક્તિઓના હાથમાં આવી શકે છે.