અમેરિકાએ ઈઝરાયેલી સૈન્યને કેટલું ફંડિંગ આપ્યું? જાણો કેટલી અસરકારક છે નેતન્યાહુની આર્મી

અમેરિકાએ પોતાના 2000 સૈનિકોને એલર્ટ પર મુક્યા

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અમેરિકાએ ઈઝરાયેલી સૈન્યને કેટલું ફંડિંગ આપ્યું? જાણો કેટલી અસરકારક છે નેતન્યાહુની આર્મી 1 - image


Israel vs Hamas War |  ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. ઇઝરાયેલ તાબડતોબ હમાસના ઠેકાણા ઉપર હુમલો કરી રહ્યું છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કર્યા બાદ જ આ લડાઈ બંધ થશે. આ સંજોગોમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ લડાઈ દિવસે દિવસે ભીષણ થતી જાય છે. એક તરફ હમાસને ઈરાન સહિત અન્ય ઈસ્લામિક દેશોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે બીજી તરફ ઇઝરાયેલના સમર્થનમાં અમેરિકા,ફ્રાન્સ સહિત ઘણા મોટા દેશો પણ આવી ગયા છે.

અમેરિકાએ પોતાના 2000 સૈનિકોને એલર્ટ પર મુક્યા 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને અમેરિકાની જનતાને અપીલ કરી હતી કે ઇઝરાયેલની મદદ માટે અબજો ડોલરનો ખર્ચ કરે જેથી તે હમાસ સામે લડી શકે. અમેરિકાએ પોતાના 2000 સૈનિકોને એલર્ટ પર મૂકી દીધા છે ગમે ત્યારે તેઓને ઇઝરાયેલ મોકલવામાં આવી શકે છે. એવી તો શું વાત છે કે જેનાથી અમેરિકા ઇઝરાયલની આટલી મદદ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની મુલાકાત કરીએ ગયા હતા.

ઈઝરાયેલને અમેરિકા પાસેથી કેટલી લશ્કરી સહાય મળી છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાએ ઇઝરાયેલને વિશ્વની સૌથી આધુનિક સેના બનાવવામાં મદદ કરી છે. અમેરિકન ભંડોળની મદદથી, ઇઝરાયેલ તેની સૈન્ય શક્તિને મજબૂત બનાવે છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ વર્ષ 2022માં ઈઝરાયેલને $4.8 બિલિયનની આર્થિક મદદ કરી હતી અને વર્ષ 2023માં 3.8 બિલિયન ડૉલરની આર્થિક મદદ કરી ચુક્યું છે. આ સાથે ઈઝરાયેલને 1946 થી 2023 વચ્ચે અમેરિકા પાસેથી અંદાજે 263 બિલિયન ડોલર મળ્યા છે.

ઇઝરાયેલની સેના કેટલી મજબૂત ?

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) 2023 અનુસાર, ઇઝરાયેલ પાસે સેના, નૌકાદળ અને અર્ધલશ્કરી દળોમાં 169,500 સક્રિય લશ્કરી કર્મચારીઓ છે. વધારાના 465,000 તેના અનામત દળો છે, જ્યારે 8,000 તેના અર્ધલશ્કરી દળોનો ભાગ છે. એટલું જ નહીં ઈઝરાયેલમાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સૈન્ય સેવા ફરજિયાત છે. એકવાર ભરતી થયા પછી, પુરુષો 32 મહિના અને મહિલાઓ 24 મહિના માટે સેનામાં સેવા આપે છે.

મિસાઈલ હુમલાઓથી રક્ષણ આપવા આયરન ડોમ 

ઈઝરાયેલ પાસે આયરન ડોમ નામની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. તે તેની તરફ છોડવામાં આવેલી મિસાઇલોને હવામાં જ નષ્ટ કરે છે. તે 2006ના હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ પછી વિકસાવવામાં આવ્યું હતું, જ્યાં ઇઝરાયેલમાં હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. 2011થી, અમેરિકાએ ઇઝરાયેલના આયરન ડોમમાં 1.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. IISS અનુસાર, ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમે 2021માં હમાસ અને અન્ય પેલેસ્ટિનિયન જૂથો દ્વારા છોડવામાં આવેલા 90 ટકાથી વધુ રોકેટને અટકાવ્યા હતા.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, ઇઝરાયેલ 2022 માં તેની સૈન્ય પર 23.4 બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. આ રકમ 2018-2022ના સમયગાળામાં માથાદીઠ 2,535 ડોલર  છે, જે તેને કતાર પછી વિશ્વમાં માથાદીઠ લશ્કરી ખર્ચ કરનાર બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. 2022 માં, ઇઝરાયેલ તેના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના 4.5 ટકા સૈન્ય પર ખર્ચ કરે છે, જે વિશ્વમાં દસમી સૌથી મોટી ટકાવારી છે.


Google NewsGoogle News