ઈરાનના હુમલા બાદ લેબનોનમાં હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો 'પુતિન'નો પ્લાન!
Image Source: Twitter
Israel Hezbollah Conflict: ઈઝરાયલ માટે કહેવાય છે કે, તે પોતાના દુશ્મનોનો પીછો કયામત સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઈઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે નેતન્યાહૂએ રશિયન પ્રમુખ પુતિનના 'ડોનબાસ પ્લાન'ને અપનાવ્યો છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, આ પ્લાન છે શું?લેબનોનમાં ઈઝરાયેલી સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને ઈઝરાયલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધનો ચોથા તબક્કો ગણાવ્યો છે. ઈઝરાયલની સેના ચોથી વખત લેબનોનની જમીનમાં દાખલ થઈ છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના લગભગ 30 ગામોને વિસ્તાર છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
ઈઝરાયલી સેનાના પ્રવક્તા અવિચય એડ્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, દક્ષિણી લેબનોનના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક ઉત્તર તરફ અવાલી નદી તરફ ચાલ્યા જવું જોઈએ.
અવાલી ઈઝરાયલ-લેબનોન સરહદથી લગભગ 60 કિમીના અંતરે છે, જે લેબનોનની ઉત્તતરની સરહદમાં છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 2006ના યુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રએ તેને બફર ઝોન જાહેર કરી દીધો હતો.
શું છે નેતન્યાહૂનો પુતિન વાળો પ્લાન?
ઈઝરાયલે હિઝબુલ્લાહનો સંપૂર્ણ સફાયો કરવાનું નક્કી કરી લીધુ છે. આ કારણોસર જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાની સાથે સાથે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધુ છે. તે સતત હિઝબુલ્લાહને ઘેરી રહ્યા છે.
નેતન્યાહુ સમજી ગયા છે કે હસન નસરલ્લાહના ખાત્મા બાદ હિઝબુલ્લાહ પાસે હવે કોઈ ઠોસ નેતૃત્વ નથી. તેનો જ ફાયદો ઉઠાવીને ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં દાખલ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે માત્ર દક્ષિણ લેબનોન જ શા માટે?
વાસ્તવમાં દક્ષિણ લેબનોન ઈરાન સમર્થિત હિઝબુલ્લાહનો ગઢ છે. અહીં હિઝબુલ્લાહને પોતાના સમગ્ર ટનલ નેટવર્કથી ઘણો ફાયદો થાય છે. અહીં સ્થિત ટાયર શહેર હિઝબુલ્લાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શહેરને હિઝબુલ્લાહની 'જીવાદોરી' પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે નેતન્યાહૂ આ શહેર સાથે હિઝબુલ્લાહના કનેક્શનને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. બેરુત, ત્રિપોલી અને સિડોન બાદ ટાયર લેબનોનનું ચોથું સૌથી મોટું શહેર છે.
ઈઝરાયલ દક્ષિણ લેબનોનના ટાયર શહેરમાંથી હિઝબુલ્લાહના તમામ કનેક્શનને સફળતાપૂર્વક ખતમ કરવામાં વ્યસ્ત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ યુક્રેન સાથેના યુદ્ધમાં યુક્રેનના ડોનબાસ શહેરને યુક્રેનથી સંપૂર્ણપણે અલગ કરી દીધુ હતું, ત્યારબાદ યુક્રેન યુદ્ધમાં બેકફૂટ પર આવી ગયું હતું.
પુતિનનો ડોનબાસ પ્લાન શું હતો?
2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિન એ સમજી ગયા હતા કે જો યુક્રેનને હરાવવાનું હોય તો ડોનબાસને યુક્રેનથી અલગ કરવું પડશે. આ વ્યૂહરચના હેઠળ પુતિને પૂર્વી યુક્રેનમાં ડોનબાસના બે વિસ્તારો ડોનેત્સક અને લુહાન્સ્કને એક દેશ તરીકે માન્યતા આપી દીધી હતી. તેના પર 2014થી અલગતાવાદીઓનો કબજો હતો.
ડોનબાસ પૂર્વ યુક્રેનમાં આવેલું છે. અહીંની મોટાભાગની વસ્તી રશિયન ભાષા બોલે છે, તેથી રશિયા તેને યુક્રેનથી અલગ કરવા માગતું હતું. ડોનબાસમાં 2014થી રશિયા સમર્થિત અલગતાવાદીઓ અને યુક્રેનિયન સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. પુતિન ઘણી વખત એ કહી ચૂક્યા હતા કે, ડોનબાસ પર કબજો કરવાનો મારો મકસદ હતો, કારણ કે તેના પર કબજો કરીને યુક્રેનને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડવા માગતો હતો.
ડોનબાસ પર રશિયાના કબજા પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી પણ કહી ચૂક્યા હતા કે, અમે લડીશું. પરંતુ જો ડોનબાસ પર રશિયાનો કબજો થઈ ગયો તો રશિયન પ્રમુખ પુતિન યુક્રેનના બે ટુકડા કરવામાં સફળ થઈ જશે.
તમને જણાવી દઈએ કે, ડોનબાસના અલગ થવાથી યુક્રેનની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી છે. અહીં મોટી સંખ્યામાં કોલસાની ખાણો આવેલી છે અને તેને યુક્રેનનું ઔદ્યોગિક કેન્દ્ર કહેવામાં આવતું હતું. આ કારણે ડોનબાસને યુક્રેનથી અલગ કરવું એ પુતિનની યુદ્ધ નીતિનો એક ભાગ હતો.