ઈઝરાયલે લેબનોનના 1600 સ્થળોએ 2000થી વધુ બોમ્બ ઝિંક્યા, મૃત્યુઆંક 600 પાર, હજારોની હિજરત
Israel vs Hezbollah War Updates | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું ઘર્ષણ હવે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પૂર્ણ યુદ્ધમાં પલટાઈ ગયું છે. ઈઝરાયલ ે દક્ષિણ લેબનોન પર સોમવારથી શરૂ કરેલો હવાઈ હુમલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ઈઝરાયલ ે બે દિવસમાં લેબનોનના 1600 સ્થળો પર 650થી વધુ હુમલામાં 2000બોમ્બમારો કર્યો હતો, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોનમાં 1975 થી 90 સુધી ચાલેલા ગૃહયુદ્ધ પછી એક જ દિવસમાં આ સૌથી વધુ મોત થયા છે. બીજીબાજુ હીઝબુલ્લાહે ઈઝરાયલ ઉપર 200 રોકેટનો મારો કર્યો હતો, પરંતુ આ રોકેટ તેની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા.
લેબનોનમાં પેજર અને વોક-ટોકીમાં વિસ્ફોટ કર્યા પછી હીઝબુલ્લાહે ઈઝરાયલ ને વળતા હુમલાની ધમકી આપી હતી. હીઝબુલ્લાહ હુમલો કરવાની તૈયારી કરે તે પહેલાં જ ઈઝરાયલ ે સોમવારે દક્ષિણ લેબનોન પર સૌથી મોટો જીવલેણ હુમલો કરીને હિઝબુલ્લાના 320થી વધુ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલ નો હવાઈ હુમલો સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો, જેમાં 50 બાળકો અને 100થી વધુ મહિલાઓ સહિત 600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ઈઝરાયલ ે 2006 પછી લેબનોન પર વિનાશક હવાઈ હુમલો કર્યો છે. જોકે, લેબનોનમાં પેજર અને વોકી-ટોકી હેક કરી ચૂકેલા ઈઝરાયલ ે મંગળવારે અચાનક રેડિયો સિસ્ટમ હેક કરી નાંખી. લેબનોનના બધા જ રેડિયો નેટવર્ક પર ઈઝરાયલ નો સંદેશો સંભાળયો હતો, જેમાં તેમણે નાગરિકોને હીઝબુલ્લાહના પ્રભુત્ત્વવાળા વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જતા રહેવા ચેતવણી આપી હતી.
ઈઝરાયલ ે સોમવારે પણ લેબનોનમાં 80000થી વધુ કોલ્સ કરી નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા જણાવ્યું હતું. ઈઝરાયલ ની ધમકીના પગલે દક્ષિણ અને પૂર્વ લેબનોનમાંથી હજારો નાગરિકોએ ઉત્તર તરફ સ્થળાંતર કર્યું હતું જ્યારે લેબનોન સરકારે નાગરિકોની સુરક્ષા માટે સ્કૂલો અને અન્ય સ્થળો પર ૮૯થી વધુ આશ્રય સ્થાનો બનાવ્યા છે. આ આશ્રય સ્થળોમાં 26000થી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે.
ઈઝરાયલ ના સૈન્યે મંગળવારે કહ્યું હતું કે તેમણે બૈરુતમાં હીઝબુલ્લાહનું મિસાઈલ અને રોકેટ યુનિટ તોડી પાડયું છે અને તેનો ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. લશ્કરી અધિકારીએ જણાવ્યું કે, ઈબ્રાહિમ કોબૈસિ મંગળવારે માર્યો ગયો છે. મંગળવારે હુમલા સમયે કોબૈસિ સાથે અન્ય કમાન્ડર્સ પણ હતા, પરંતુ અન્ય લોકોના માર્યા ગયા અંગે ઈઝરાયલ ે કશું કહ્યું નથી.
ઈઝરાયલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, હું લેબનોનના લોકોને સંદેશો આપવા માગું છું કે ઈઝરાયલ ની લડાઈ તમારી સાથે નથી. અમે હીઝબુલ્લાહ સાથે લડી રહ્યા છીએ, જે તમારો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે. ઈઝરાયલ ના સૈન્યે દાવો કર્યો છે કે લેબનોનના ઘરોમાં એક-એક હજાર કિલોના ભારે રોકેટ રાખેલા છે. અમે જરૂર પડશે તો દક્ષિણ લેબનોનમાં જમીની હુમલો પણ કરીશું.
ઈઝરાયલ ના વિનાશક હુમલા પછી પણ હીઝબુલ્લાહે પડોશી દેશ પર આક્રમણ શરૂ કર્યું હતું. તેણે ઈઝરાયલ ના હાઈફા, અફુલા, નાજરેથ અને અન્ય શહેરો પર રોકેટમારો કર્યો હતો. હીઝબુલ્લાહે પણ આખી રાત રોકેટમારો ચલાવ્યો હતો. જોકે, તેના મોટાભાગના રોકેટને ઈઝરાયલ ની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમે હવામાં જ તોડી પાડયા હતા. પરંતુ સતત યુદ્ધની સાયરન વાગતી રહેતા લોકોના ગભરાટ ફેલાઈ ગયો હતો. હીઝબુલ્લાહે પહેલી વખત ઈઝરાયલ માં 100 કિ.મી. અંદર સુધી હુમલો કર્યો છે.
લેબનોનમાં એક વર્ષમાં 646, એક દિવસમાં 600નાં મોત !
ઈઝરાયલ એક વર્ષથી દક્ષિણમાં હમાસ અને ઉત્તરમાં હીઝબુલ્લાહ બંને સામે લડી રહ્યું છે. ઈઝરાયલ ે એક વર્ષમાં હીઝબુલ્લાહ પર 7845 હુમલા કર્યા હતા, જેમાં 646 લોકો માર્યા ગયા હતા. બીજીબાજુ ઈઝરાયલ ે સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કરેલા હુમલામાં ૬૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. દરમિયાન હીઝબુલ્લાહે એક વર્ષમાં ઈઝરાયલ પર 1768 હુમલા કર્યા હતા, જેમાં ૩૨ ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા છે.
વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે
લેબેનોનની સલામતી માટે અમારો સંપૂર્ણ ટેકો : ચીની વિદેશ મંત્રી
- ચીન અને લેબેનોનના વિદેશ મંત્રી વચ્ચે ન્યૂયોર્કમાં બેઠક : ઇઝરાયેલના હુમલા અંગે ચર્ચા
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ લેબેનોનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ બૌ હબીબ વચ્ચે સોમવારે (23મી સપ્ટેમ્બરે) યોજાયેલી મંત્રણામાં વાંગ યીએ હબીબને સધ્યારો આપતાં કહ્યું હતું કે, લેબેનોનના સાર્વભૌમત્વ અને સલામતીને ચીનનો સંપૂર્ણ ટેકો છે.
ઇઝરાયલે કરેલા વ્યાપક હવાઈ હુમલાઓ પછી દક્ષિણ લેબેનોન તો ખેદાન મેદાન થઈ ગયું છે. તે પછી વાંગ યી અને હબીબની ન્યૂયોર્કમાં યોજાયેલી મંત્રણા દરમિયાન બંને નેતાઓએ મધ્ય પૂર્વ અંગે સઘન મંત્રણાઓ કરી હતી. તેમ ચીનનાં વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
ઇઝરાયલના સૈન્યે જણાવ્યું હતું કે, તેણે લેબેનોન સ્થિત હીઝબુલ્લાહ મથકો ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા. તેથી ૪૯૨થી વધુના મોત થયા હોવાનું જાણવા મળ્યું. સાથે તે પણ જાણવા મળ્યું છે કે ઇઝરાયલના પ્રચંડ હવાઈ હુમલાઓ પછી હજ્જારો લોકો દક્ષિણ લેબેનોન છોડી નાસી રહ્યા છે. ટૂંકમાં લેબેનોનમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
અમેરિકા અને યુરોપના પીઠબળથી પ્રચંડ બની ગયેલા ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ૨૦૦૬ પછી આ વખતે સૌથી વધુ ઘમાસાણ યુદ્ધ જામી ગયું છે.
વાંગે હબીબને કહ્યું હતું કે, પરિસ્થિતિ ભલે ગમે તેટલી બદલાય, ચીન હંમેશા ન્યાય અને અમારા આરબભાઈઓ સાથે જ ઊભા રહેશું. અમે તે વિસ્તારની પરિસ્થિતિ ઉપર નજર રાખી જ રહ્યા છીએ. તાજેતરમાં લેબેનોનની સંચાર વ્યવસ્થા તેમજ નાગરિકો ઉપર થઈ રહેલા બેફામ હુમલાઓ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.
બીજી તરફ અમેરિકા તથા પશ્ચિમ યુરોપના દેશોનું ઇઝરાયલને પુરેપુરું પીઠબળ છે. વાત નજરે દેખાય તેમ છે. આરબ-ઇઝરાયલ યુદ્ધમાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.
ચીનના વિદેશ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે, ચીન મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા સઘન પ્રયત્નો કરી રહ્યું છે. તે માટે તે આરબ દેશો અને આંતરરાષ્ટ્રીય સમુહ સાથે કામ કરવા તૈયાર છે. હિંસાથી હિંસા રોકી શકાતી નથી તેથી પ્રશ્નોનો ઉકેલ પણ આવી શકે નહીં. તેથી તો મધ્ય પૂર્વમાં માનવીય કટોકટી ઉભી થઈ રહી છે, તેમ વાંગે લેબનીઝ વિદેશ મંત્રી સાથેની મંત્રણામાં જણાવ્યું હતું.
નિરીક્ષકો ચીન દ્વારા થતી શાંતિ અને હિંસાથી હિંસા ન અટકે તેવી વાતો કટાક્ષયુક્ત સ્મિત સાથે સાંભળી રહ્યા છે.
વાંગે કહ્યું વાસ્તવમાં લેબેનોન પરના ઇઝરાયલી હુમલા તે ગાઝા યુદ્ધનું સ્પિલ ઓવર જ છે. ચીન હમેશા શાંતિ, કાયમી યુદ્ધ વિરામ, બંને તરફથી સૈન્યો પાછા ખેંચાય તથા દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવે તેના જ પક્ષમાં છે.