ઈઝરાયલે સીરિયામાં પરમાણુ બોંબ ઝીંક્યાના અહેવાલ, સાયપ્રસ-તૂર્કિય સુધી અસરઃ રેડિએશન રિપોર્ટ
Israel Nuclear Bomb Attack in Syria: ઇઝરાયલી સંરક્ષણ દળો(IDF)એ 16 ડિસેમ્બર, 2024ના રોજ સીરિયાના ટાર્ટસમાં હથિયારોના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. આ સ્ટ્રાઇકમાં ડેપોમાં રાખવામાં આવેલી સ્કડ મિસાઇલની સુવિધાનો નાશ કરી દીધો હતો. આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, કેટલાય કિલોમીટર સુધી આકાશમાં આગના ગોટેગોટા અને ધુમાડો જોવા મળ્યો હતો.
વિસ્ફોટનો ભયાનક વીડિયો
આ વિસ્ફોટ બાદ 3ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. આ ભૂકંપ 820 કિલોમીટર દૂર તૂર્કિયે સુધી અનુભવાયો હતો. આ અંગે રશિયાની સરકારી મીડિયા એજન્સી સ્પુટનિકે કહ્યું હતું કે, ઈઝરાયલે નવી મિસાઈલ વડે યુદ્ધ જહાજને ટારગેટ બનાવ્યું છે. પરંતુ કેટલાક લોકોનું માનવું હતું કે, અહીં અમેરિકા દ્વારા વિકસિત B61 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે એક ઓછી શક્તિનો પરમાણુ બોમ્બ છે.
વિસ્ફોટના 20 કલાક પછી રેડિયેશનનું પ્રમાણ વધ્યું
હાલમાં મળતાં સમાચાર પ્રમાણે, યુરોપિયન યુનિયનના રેડિયોએક્ટિવ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગને તુર્કી અને સાયપ્રસમાં વિસ્ફોટના 20 કલાક પછી રેડિયેશનનું પ્રમાણ વધી ગયું છે. કારણ કે ટાર્ટસથી જે હવા પશ્ચિમ તરફ જઈ રહી છે, તેની સાથે રેડિયેશન પણ સાયપ્રસ અને દક્ષિણ તૂર્કિયે સુધી પહોંચી રહ્યા છે.
શું ઇઝરાયલ પાસે પરમાણુ શસ્ત્રો છે?
પરમાણુ શસ્ત્રો અંગે એવું કહેવામાં આવે છે કે, ઇઝરાયલ વિશ્વના નવ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોમાંનો એક છે. તેની પાસે કેટલા પરમાણુ હથિયાર છે, તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 90 અને વધુમાં વધુ 400 પરમાણુ હથિયારો છે. ઇઝરાયલ આ પરમાણુ હથિયારો સાથે તેના ફાઇટર જેટ્સ, ડોલ્ફિન ક્લાસ સબમરીન અથવા જેરીકો સીરિઝની મિસાઇલોમાં ફીટ કરાયેલી ક્રૂઝ મિસાઇલો વડે કોઈપણ ટારગેટ પર હુમલો કરી શકે છે.
આ પણ વાંચો: BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
ઇઝરાયલે ક્યારેય જાહેર કર્યું નથી કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે
એક મહત્ત્વની વાત એ છે કે, ઇઝરાયલે ક્યારેય જાહેર કર્યું નથી કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. તેમજ તેણે ક્યારેય તેનો ઇન્કાર પણ નથી કર્યો. પરંતુ તેઓ હંમેશા એવું જરુર કહે છે કે, તેઓ પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. ઇઝરાયલ પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તે અંગે ક્યાંય પણ સત્તાવાર માહિતી નથી. પરંતુ એવું કહેવાય છે કે 1991માં 50થી 200 હથિયારો હતા. જે હવે વધીને 300 કે તેથી વધુ હોઈ શકે છે.