Get The App

ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું મોત, IDFની જાહેરાત

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું મોત, IDFની જાહેરાત 1 - image


Israel Hezbollha Conflict: ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઓપરેશનનું નામ 'ઓપરેશન ન્યૂ ઓર્ડર' રાખવામાં આવ્યું હતું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDF દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 'હસન નરસલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે.'


ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ નામના આતંકી સંગઠન પર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં આ હુમલાઓના કારણે મહાસત્તાઓ પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ પેજર હુમલાઓથી એક રીતે કહીએ તો દુનિયા જ બદલાઈ ગઈ છે. પેજર સિવાય, સોલર સિસ્ટમ અને રેડિયો નેટવર્ક પણ હેક કરવામાં આવ્યા હતા. સાયબર સિક્યોરીટી એક્સપર્ટસ આને આખી દુનિયા માટે વોર્નિંગ ગણાવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા હિઝબુલ્લાહ સામેના ઓપરેશનનું નામ નોર્ધન એરોઝ આપવામાં આવ્યું છે. અગાઉ ઈઝરાયલ આ લડાઈમાં 2000થી વધારે બોમ્બ ફેંકી ચૂક્યું છે. મંગળવાર સુધી મોતનો આંકડો 585 હતો જે હવે 600 પર પહોંચી ગયો છે. જેમાં બૈરૂતમાં ઈબ્રાહિમ મોહમ્મદ કસીબીનું પણ મોત થયું છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, 'અમારું યુદ્ધ આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે છે. અમે લેબેનોનના નાગરિકોની વિરુદ્ધ નથી. આતંકીઓ લેબેનોનના નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તમારા ઘરોમાં પણ હથિયારો હોય શકે છે માટે સ્થળાંતરીત કરી જવાની સલાહ આપવામાં આવે છે.'



IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'અમે આતંકી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ અને દક્ષિણ મોરચાના કમાન્ડર અલી કારચી સહિતના કમાન્ડરોને ઠાર કરી દીધા છે. ઇઝરાયલી ઇન્ટેલિજન્સ એજન્સીઓને મળેલી ગુપ્ત માહિતી બાદ અમારી એરફોર્સે લડાયક વિમાનો દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જે બૈરૂતમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં સ્થિત હતું.'


Google NewsGoogle News