ઈઝરાયલ યુદ્ધ નથી શરૂ કર્યું : પરંતુ તેનો તે અંત લાવશે જ : વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ યુદ્ધ નથી શરૂ કર્યું : પરંતુ તેનો તે અંત લાવશે જ : વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ 1 - image


- સંભવ છે કે ગાઝા સહિત બધેથી હમાસ સાફ થઈ જશે : નિરીક્ષકો

- હમાસે હુમલાની એવી કિંમત ચુકવવી પડશે કે જે હમાસ સહિત ઈઝરાયલના શત્રુઓને દશકો સુધી યાદ રહી જવાની છે

તલ-અવીવ : ઈઝરાયલવાસીઓ જોગ કરેલા એક અસામાન્ય વક્તવ્યમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ હમાસને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'ઈઝરાયલે યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ તે તેનો અંત લાવશે જ.'

આ માહિતી આપતા 'ટાઈમ્સ ઓફ ઈઝરાયલ' જણાવે છે કે ઈઝરાયલે વધુ ૩ લાખ સૈનિકોને કાર્યરત કરી દીધા છે જે ૧૯૭૩માં 'ઓમ-કપ્પુર' ઉત્સવ સમયે સક્રિય કરાયેલા ૪ લાખ રિઝર્વિસ્ટ પછીની સૌથી મોટી સંખ્યા છે.

નેતાન્યાહુએ વધુમાં કહ્યું કે, 'આપણે યુદ્ધમાં છીએ આપણને યુદ્ધ જોઈતું નથી, પરંતુ તે ખૂબ જ ઘાતકી અને જંગલી રીતે આપણી ઉપર લાદવામાં આવ્યું છે, ઈઝરાયલે યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ તે તેનો અંત લાવશે જ.'

શનિવારથી શરૂ થયેલાં આ યુદ્ધમાં ઓછામાં ઓછા ૭૦૦ યહુદીઓના મોત થઈ ગયા છે. ૨૩૦૦ને ગંભીર ઈજાઓ થઈ છે.

આ યુદ્ધ અંગે નેતાન્યાહુએ કહ્યું હતું કે હમાસને તેની તેટલી કિંમત ચુકવવી પડશે કે જે તેને લાંબા સમય સુધી યાદ રહેશે.

''હમાસને ખાતરી થઈ જશે કે તેણે ઐતિહાસિક ભૂલ કરી છે. અમે તેની તેવિ કિંમત લેશું કે જે તેમને અને ઈઝરાયલના અન્ય શત્રુઓને પણ દાયકાઓ સુધી યાદ રહી જશે. તેમણે જે નિર્દોષ નાગરિકો ઉપર રાક્ષસી હુમલા કર્યા છે તે મનને 'શુધ-બુધ' ગુમાવી દે તેવા છે. કુટુમ્બોનાં કુટુમ્બોની કત્લ-એ-આમ' કરી છે.' એક સમારંભમાં સેંકડો યુવાનોની કત્લ કરી છે. કોડીબંધ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા નૈસર્ગિક આપત્તિઓમાંથી પણ માંડ બચેલા અનેકોનાં અપહરણ કર્યાં છે. હમાસ ત્રાસવાદીઓએ બાળકોને પણ બાંધી દઈ જીવતા સળગાવી દીધાં છે. તેઓ જંગલી છે, રાક્ષસી છે.

હમાસને આઈ.એસ.આઈ.એસ.ના ત્રાસવાદીઓ કહેતાં તેઓએ તમામ સુધરેલા સમાજના લોકોને હમાસની સામે એક થઈ તેને પરાજિત કરવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે હમાસ તે 'ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા - આઈ.એસ.આઈ.એસ.' (ખિલાફત) વાદીઓ જ છે. આથી તમામ સંસ્કારી પરિબળોને એક થઈ હમાસને પરાજિત કરવા અપીલ કરી હતી.

તે સર્વવિદિત છે કે ભૂમધ્ય-સમુદ્રના પૂર્વ તટે અમેરિકાનું વિશાળ વિમાનવાહક જહાજ લાંગરીને પડયું છે. તેની સાથે અમેરિકાનાં અન્ય યુદ્ધ જહાજો પણ છે. ગાઝાપટ્ટી સહિત પેલેસ્ટાઈનીઓ (હમાસ)ના પ્રદેશો ઉપર ઈઝરાયલ વિમાનદળ તેમજ અમેરિકાનાં વિમાન વાહક જહાજ પરના વિમાનોના પ્રચંડ હુમલાઓ શરૂ થઈ જતાં અને અમેરિકી યુદ્ધ જહાજો પરથી થતાં પ્રચંડ તોપમારા અને પાછળથી ઈઝરાયલી આર્ટીલરીના શેલ્સનાં મારા વચ્ચે હમાસ આતંકીઓ સાફ થઈ જશે, તે નિર્વિવાદ છે તેમ કહેતા નિરીક્ષકો જણાવે છે કે આ રીતે ઈઝરાયલ ફરી ગાઝાપટ્ટી અને જોર્ડન નદીના પશ્ચિમ તટ પરના પ્રદેશમાંથી હમાસને અને અન્ય પેલેસ્ટાઈની આરબોને તેમની ભૂમિ છોડાવી નસાડી મુકવા માગતું હોય તો તે પણ અસંભવિત લાગતું નથી.

આ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવું લાગે છે. એક ઈઝરાયલ તરફી અને બીજો ભાગ પાકિસ્તાનથી શરૂ કરી છેક મોરોક્કો સુધીના ઈસ્લામિક પટ્ટા તરફી. આમ આ યુદ્ધ વાસ્તવમાં ખ્રિસ્તીઓ અને મુસ્લીમો વચ્ચેનું હોય તેમ લાગે છે.


Google NewsGoogle News