લેબેનોનની બોર્ડર પર 20 હજાર સૈનિકો તહેનાત, હિઝબુલ્લાહની ધમકી બાદ નેતન્યાહુએ પણ શરૂ કરી તૈયારી
Israel Deploys 20,000 Troops On Lebanon Border : 17 સપ્ટેમ્બરના રોજ લેબેનોનમાં થયેલા પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ હવે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે તણાવપૂર્ણ માહોલ બની ગયો છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણાં લડવૈયાઓ માર્યા ગયા હતા. લેબનોનનો આરોપ છે કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલનો હાથ છે. હવે હિઝબુલ્લાએ બદલો લેવાની ધમકી આપી છે. જેને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઇઝરાયલે લેબનોન સાથેની પોતાની સરહદ પર 20 હજાર સૈનિકો તહેનાત કરી દીધા છે.
ઈઝરાયલે તૈયારીઓ શરુ કરી
તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસહાક હ્જોર્ગ આજે સવારે સુરક્ષાને લઈને મુલાકાત કરી હતી. આ સિવાય ઈઝરાયલના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ હરજી હલેવીએ પણ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે બેઠક યોજી હતી. તેમણે ઝડપથી હુમલા અને સંરક્ષણ માટેની તૈયારીઓની જાણકારી મેળવી હતી. નાગરિકોને જાગૃત રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે ઇઝરાયલની સેનાએ લેબનોનમાં પેજર વિસ્ફોટો અંગેના સવાલનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
20,000 સૈનિકોને ઉત્તર ઈઝરાયલ તહેનાત કરાયા
મહિનાઓ ગાઝામાં ચાલી રહેલા ઓપરેશન બાદ હવે ઈઝરાયલે IDF(Israel Defense Forces)ની 20,000 સૈનિકો ધરાવતી 98મી ડિવિઝનને લેબેનોનની બોર્ડર પર તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. 98મી ડિવિઝનને ઓગસ્ટના અંતમાં દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાંથી પાછી બોલાવી લેવામાં આવી હતી. હિઝબુલ્લાહ સાથે વધી રહેલા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેરાટ્રૂપર્સને પણ ઉત્તર ઈઝરાયલમાં તહેનાત કરાયા છે.
બ્લાસ્ટમાં હિઝબુલ્લાના સાંસદના પુત્રનું મૃત્યુ થયું
ગઈ કાલે લેબેનોન અને સીરિયાના કેટલાક વિસ્તારમાં તબક્કાવાર પેજર બ્લાસ્ટ થયા હતા. જેમાં 12 લોકોના મોત થયા હતા. 4000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ હુમલાનું મુખ્ય લક્ષ્ય બેરૂત હતું. આ સિવાય બેરુત, દાહિયા, બેક્કા, નાબાતિયા, બિન્ત જબૈલ, દક્ષિણ બેરુત અને દક્ષિણ લેબનોનના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના પણ ઘણાં વિસ્તારોમાં લગભગ 100 વિસ્ફોટોથી ખળભળાટ મચી ગયો હતો. પેજર બ્લાસ્ટમાં હિઝબુલ્લાના સાંસદ અલી અમ્મારનો પુત્ર પણ માર્યો ગયો હતો. આ ઉપરાંત લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજ્ત્બા અમાની પણ ઘાયલ થયા હતા. જેમાં તેની આંખમાં ગંભીર ઈજા થઇ હતી. પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ લેબનોનની સરકારે લોકોને તાત્કાલિક ધોરણે પેજરને ફેંકી દેવા માટે કહ્યું છે.
લેબેનોનમાં પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ આજે બુધવારે ફરીથી લેબેનોનમાં વોકી ટોકીઝ વડે બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.