ઈઝરાયલનો કહેર યથાવત્, શરણાર્થીઓના કેમ્પ પર હવાઈ હુમલો, 36 પેલેસ્ટિનીઓના મોત
Iran- Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં ઈઝરાયલ ગાઝામાં એક પછી એક હુમલાઓ કરી રહ્યુ છે. ગાઝાના યૂનિસ શહેરમાં ઈઝરાયલની સેનાએ શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 36 પેલેસ્ટિનીઓ માર્યા ગયા છે. આ હુમલામાં 50થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 13 બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
એલર્ટ બાદ હુમલો કર્યો
ઈઝરાયલની સેનાએ આ હુમલા પર નિવેદન આપ્યું હતું કે, તેણે એલર્ટ જાહેર કર્યા બાદ હમાસની સેનાને નિશાન બનાવી હતી. જો કે, આ હુમલામાં પોતાનો પુત્ર ગુમાવનાર રમજાન સુબ્બોએ દાવો કર્યો છે કે, હુમલા પહેલાં કોઈ ચેતવણી આપી ન હતી. અચાનક મિસાઈલ તેમના ઘરની વચોવચ ફેંકવામાં આવી હતી.
43 હજાર પેલેસ્ટિની માર્યા ગયા
ઈઝરાયલ સેના દ્વારા થઈ રહેલા હુમલામાં ગત વર્ષે ઓક્ટોબરથી અત્યારસુધીમાં લગભગ 43 હજાર પેલેસ્ટિની માર્યા ગયા છે. લાખો લોકોને ઈજા થઈ છે. 23 લાખની વસ્તીમાંથી 90 ટકા લોકો બેઘર થયા છે. કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. ઈઝરાયલ લેબનોનમાં આવેલા આતંકી સંગઠન હિઝબુલ્લાના કેમ્પ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. હિઝબુલ્લાહના હથિયારો અને સંપત્તિને પણ નષ્ટ કરવા મિસાઈલો છોડી રહ્યું છે.
બેરૂતમાં 41 લોકો માર્યા ગયા
ઈઝરાયલે બેરૂતમાં હુમલો કરતાં ત્યાં છેલ્લા 24 કલાકમાં 41 લોકો માર્યા ગયા છે. અને 133 ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા એક વર્ષમાં આ યુદ્ધમાં 2634 લેબનાનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત શુક્રવારે લેબનોનના દક્ષિણ-પૂર્વમાં એક ઈમારતને નિશાન બનાવતાં મોટો હવાઈ હુમલો કર્યો હતો. જેમમાં ત્રણ પત્રકારો માર્યા ગયા હતા. અત્યારસુધી 11 પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આઠ ઘાયલ થયા છે.