બૈરૂતમાં હીઝબુલ્લાહનાં ગુપ્ત બંકરમાં 500 મિલિયન ડોલર મળી આવ્યા : ઇઝરાયેલી અધિકારીનો દાવો
- બંકરમાં અઢળક સોનું પણ મળી આવ્યું
- આ ડોલર્સ અને આ સોનું હીઝબુલ્લાહ ત્રાસવાદીઓને માટે રાખવામાં આવ્યાં હતાં : રીયર એડમિરલ હેગારી
નવી દિલ્હી : ઇઝરાયલે સોમવારે જણાવ્યું હતું કે, તેને મળેલી ગુપ્તચર માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે બૈરૂત સ્થિત હોસ્પિટલ નીચે રખાયેલું એક બંકર હીઝબુલ્લાહ માટે નાણાંકીય ધરી સમાન હતું. ઇઝરાયલી એરફોર્સે બૈરૂતને પણ ખેદાન મેદાન કરી નાખ્યા પછી રવિવારે રાત્રે તેના મોટાભાગના વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો હતો. દરમિયાન તેને નસરૂલ્લાહ જે બંકરમાં છુપાયો હતો તેમાં મોટી ટોર્ચોથી પ્રકાશ નાખતાં તે બંકરમાં આશરે ૫૦૦ મિલિયન જેટલા ડોલર્સની થપ્પી બંધ રીતે રખાયેલા જોવા મળ્યા હતા. તે ઉપરાંત કેટલુંયે સોનું પણ ઇંટોના સ્વરૂપે જોવા મળ્યું હતું.
આ માહિતી આપતાં ઇઝરાયલી દળોના પ્રવક્તાં રીયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે અમોને તે બંકર ક્યાં રહેલું છે, તેની પાક્કી માહિતી મળતાં અમે તે હોસ્પિટલ ઉપર હુમલો કર્યો ન હતો. પછી તે બંકરમાં પ્રબળ ટોર્ચો લઇ ઉતરતાં. આ અઢળક ખજાનો મળી આવ્યો હતો.
તે સર્વવિદિત છે. બૈરૂતની મધ્યમાં રહેલી ખલ સાલેહ હોસ્પિટલમાં નીચે રહેલાં ગુપ્ત બંકરમાં નસરૂલ્લાહ છુપાયો હતો. અહીંથી જ તે અને તેના સાથીઓ હિઝબુલ્લાહ આતંકીઓને પૈસા પહોંચાડતા હતા.
આ એટલી મોટી રકમ છે કે તે ખંડેર બની ગયેલાં લેબનોનનાં પાટનગર બૈરૂતને ફરી બાંધવા માટે પૂરતી થઇ શકે તેમ છે.
ઇઝરાયલે હીઝબુલ્લાહનાં ૩૦ વિવિધ સ્થાનો ઉપર એરસ્ટ્રાઇક કરી હતી. જો કે આના પરિણામે પેલાં બંકરમાં રહેલા અઢળક ખજાનાનો નાશ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો.