UNમાં ગાઝામાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પસાર, અમેરિકાએ વીટો નહીં વાપરતા ઈઝરાયલ છંછેડાયુ, લીધો આવો નિર્ણય
વોશિંગ્ટન,તા.26 માર્ચ 2024,મંગળવાર
ગાઝામાં યુદ્ધ વિરામ કરવા માટે યુએનમાં મુકાયેલા પ્રસ્તાવ સામે અમેરિકાએ વીટો પાવરનો ઉપયોગ નહીં કરતા ઈઝરાયલ સમસમી ગયું છે. ત્યાર પછી ઈઝરાયલે બાઈડન સરકાર સાથે યોજનારી બેઠકોમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના વીટો પાવર નહીં વાપરવાના નિર્ણય બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂએ પોતાના બે ટોચના સલાહકારોની અ્મેરિકા યાત્રા પણ રદ કરવાની જાહેરાત કરી છે.
આ પહેલા ગાઝાના મામલા પર ત્રણ વખત અમેરિકાએ યુદ્ધ વિરામ માટે યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં રજૂ કરાયેલા પ્રસ્તાવને વીટો વાપરીને પસાર થવા દીધા નહોતા પણ સોમવારે અમેરિકાએ પોતાનુ વલણ બદલીને વીટો વાપરવાની જગ્યાએ મતદાનમાથી ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. જેના કારણે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો.
અમેરિકાએ પોતાની નીતિમાં કરેલા ફેરફાર બાદ નેતાન્યાહૂએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, અમેરિકા દ્વારા ઈઝરાયલ દ્વારા યુદ્ધ માટે જે પણ કાર્યવાહી થઈ રહી છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
બીજી તરફ, ઈઝરાયલના પ્રતિનિધિ મંડળની રદ થયેલી મુલાકાત પર વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યુ હતુ કે, ઈઝરાયલે પોતાના પ્રતિનિધિ મંડળની અમેરિકાની યાત્રા રદ કરી છે અને આ નિર્ણય ઘણો નિરાશાજનક છે. આમ છતા વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ ગાઝામાં નાગરિકોની સુરક્ષા, હમાસે બંધક બનાવેલા લોકો અને માનવીય સહાયતના મુદ્દે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ સાથે મુલાકાત કરીને વાતચીત કરશે. ગેલેન્ટ અત્યારે વોશિંગ્ટનમાં જ છે. અમે ભલે સિક્યુરિટી કાઉન્સિલમાં વીટો ના વાપર્યો હોય પણ અમારી ઈઝરાયલ માટેની નીતિમાં કોઈ ફેરફાર થયા નથી.