લેબનોનમાં હિજબુલ્લાહના ૧૦૦૦ રોકેટ લોન્ચર બેરલનો ઇઝરાયેલે બોલાવ્યો ખાતમો
લેબનોન સ્થિતિ હિજબુલ્લાહ ઇરાન સમર્થિત કટ્ટરપંથી આતંકી સંગઠન છે.
હિજબુલ્લાહ પર ઇઝરાયેલ વધુ કડક કાર્યવાહી કરે તેવી શકયતા
તેલઅવિવ,૨૦ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
લેબનોનમાં પેજર એટેકથી હાહાકાર મચાવ્યા બાદ ઇઝરાયેલના ફાઇટર વિમાનોએ હિજબુલ્લાહના ૧૦૦૦ રોકેટ લોન્ચર ઉડાવી દીધા છે. હિજબુલ્લાહ આ લોન્ચરનો ઉપયોગ ઇઝરાયેલી વિસ્તારોમાં ફાયર માટે કરવાનું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલી સેનાએ હિજબુલ્લાહ પર કમરતોડ હુમલા ચાલુ રાખવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. અગાઉ હિજુલ્લાહ રેડિયો અને પેજર પર થયેલા હુમલામાં ૩૭ લોકોના મોત થયા હતા.
ગુરુવારની રાત્રીએ દક્ષિણી લેબનોનમાં સેંકડો બોંબ ફેંકવામાં આવ્યા હતા. બ્રિટિશ વિદેશમંત્રી સચિવ ડેવિડ લેમીએ એક સપ્તાહથી ચાલતા અણબનાવ પછી ઇઝરાયેલ અને લેબનોનના હિજબુલ્લાહ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ કરવાનું આહ્વાન કર્યુ હતું. અમેરિકાએ પણ વર્તમાન ઘટનાઓથી મધ્ય પૂર્વમાં તણાવ વધે તેવી શંકા વ્યકત કરી છે. લેબનોન સ્થિતિ હિજબુલ્લાહ ઇરાન સમર્થિત કટ્ટરપંથી આતંકી સંગઠન છે.
પેલેસ્ટાઇનના ગાજા પટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી શરુ થઇ ત્યારથી લેબનોન સરહદે હિજબુલ્લાહ ઇઝરાયેલ પર કાંકરીચાળો કરતું હતું. ઉત્તરી ઇઝરાયલના કેટલાક વિસ્તારોમાં રોકેટ દ્વારા હુમલા શરુ કર્યા હતા. આથી ઇઝરાયેલના અનેક યુધ્ધ પીડિતોએ પોતાનું નિવાસસ્થાન છોડવાની ફરજ પડી હતી. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુધ્ધ પીડિતોને પોતાના નિવાસસ્થાને પાછા લાવવાના સોગંધ ખાધા હોવાથી લેબનોનના હિજબુલ્લાહ પર ઇઝરાયેલ વધુ કડક કાર્યવાહી કરે તેવી શકયતા છે.