ગાઝાની શરણાર્થી શિબિરોમાં એક સપ્તાહમાં ઈઝરાયલના 63 વાર બોમ્બમારો, 91 મોત અને હજારોને ઈજા
Israeli Army Attack on Gaza Refugee Camp : ઈઝરાયલ અને હમાસના યુદ્ધને નવ મહિનાથી પણ વધુ સમય થયો છે. અત્યાર સુધીના હુમલામાં સૌથી વધુ ખુંવારી ગાઝા અને ગાઝા સ્થિત શરણાર્થી શિબિરોમાં થઈ છે. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયે દાવો કર્યો છે કે, ઈઝરાયલી સેનાએ એક સપ્તાહમાં નુસેરાત સ્થિત ગાઝા શરણાર્થી શિબિરો પર 63 વખત બોમ્બમારો કર્યો છે, જેમાં 91 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે.
શિબિરમાં રહે છે અઢી લાખથી વધુ લોકો
સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ ગાઝામાં શાસન કરનારા જૂથે શરણાર્થી શિબિરોમાં થઈ રહેલી હત્યા મામલે ઈઝરાયલ અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આ શિબિરમાં હાલ અઢી લાખથી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટે શુક્રવારે જ કહ્યું હતું કે, ઈઝરાયલે પેલેસ્ટાઈનીના ક્ષેત્રમાં કરેલો કબજો ગેરકાયદેસર છે, તેથી તેઓએ આ ક્ષેત્ર વહેલી તકે ખાલી કરવું જોઈએ. જોકે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના ન્યાયાધીશોની સલાહ માનવા માટે બંધાયેલું નથી.
ઈઝરાયલે પણ લગાવ્યો આક્ષેપ
ઈઝરાયેલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આક્ષેપ કર્યો છે કે, હમાસના આતંકવાદીઓ ત્યાંના નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આતંકી હુમલો કરવા માટે ત્યાં લોકોને ઢાલ બનાવી રહ્યા છે.
યુદ્ધમાં કુલ 39000 લોકોના મોત
ગાઝાના આરોગ્ય અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે, ઈઝરાયલી સેનાના હુમલામાં છેલ્લા 24 કલાકમાં 64 લોકોના મોત અને 105 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વર્ષ 2023માં સાતમી ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 1139 લોકોના મોત થયા હતા. જ્યારે હમાસના આતંકવાદીઓ 200થી વધુ લોકોને બંધક બનાવીને લઈ ગયા હતા. ત્યારબાદ ઈઝરાયલે પેલેસ્ટાઈની ગ્રૂપ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી અને હમાસના કંટ્રોલ હેઠળના ગાઝા પર સૈન્ય હુમલો શરૂ કરી વળતો જવાબ આપ્યો હતો. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 39000 લોકોના મોત અને 89727 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : બાઇડેનની એ 7 ભૂલ, જેના કારણે અમેરિકન પ્રમુખપદની રેસમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું