Israel-Hamas war | લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો
ઈઝરાયલની માગ છે કે આતંકી હુમલો કરનારા ગાઝામાં સંચાલિત સંગઠન હમાસ ઉપર ભારત પ્રતિબંધ મૂકે
Israel vs Hamas war Updates | ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને સાથ આપ્યો હતો. પરંતુ ઈઝરાયલ હવે બદલામાં ભારતથી કંઈક ઈચ્છે છે.
ઈઝરાયલની શું છે માગ?
ઈઝરાયલની માગ છે કે આતંકી હુમલો કરનારા ગાઝામાં સંચાલિત સંગઠન હમાસ ઉપર ભારત પ્રતિબંધ મૂકે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે અમને આશા છે કે ભારત હમાસ પર પ્રતિબંધની જાહેરાત કરશે. નેતન્યાહૂ સરકારે પહેલાથી જ હમાસની આતંકી પ્રવૃત્તિઓની જાણકારી ભારત સાથે શેર કરી હતી.
7 ઓક્ટોબરનો હુમલો યાદ અપાવ્યો
ઈઝરાયલ વતી નાઓર ગિલોને કહ્યું છે કે ભારતે 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને આતંકી પ્રવૃત્તિ તો ગણાવી હતી પરંતુ અત્યાર સુધી તેના પર પ્રતિબંધની જાહેરાત નહોતી કરી. ઈઝરાયલી રાજદ્વારીએ કહ્યું કે અમે અમારી તરફથી જે કરી શકતા હતા તે કર્યું. હવે ભારત સરકારે નિર્ણય કરવાનો છે કે તે શું કરશે? તાજેતરમાં અરબ દેશોના રાજદૂતોએ પેલેસ્ટાઈનના દૂતાવાસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઈઝરાયલ દ્વારા ભારતને આ અપીલ કરાઈ છે. ઈઝરાયલે મુસ્લિમો અને અરબ દેશોની એકતાનો મુકાબલો કરવા ભારતને સમર્થન કરવા અપીલ કરી છે.