અન્ય મુસ્લિમ દેશોના વિરોધ વચ્ચે ઈઝરાયેલ સાથે સબંધો ગાઢ કરી રહ્યુ છે અઝરબૈજાન
image : Socialmedia
તેલ અવીવ,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
ઈઝરાયેલના હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષના પગલે દુનિયાના મોટાભાગના મુસ્લિમ દેશો ઈઝરાયેલ વિરોધી વલણ અપનાવી રહ્યા છે ત્યારે દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો પણ છે જે ઈઝરાયેલના સમર્થનમાં છે અને તેની સાથે વેપાર પણ વધારી રહ્યો છે.
આ દેશનુ નામ છે અઝરબૈજાન. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં ઈઝરાયેલ પહેલેથી અઝરબૈજાનના પડખે છે. જેના કારણે અઝર બૈજાન ઈઝરાયેલ સાથે વેપાર કરી રહ્યુ છે.
અઝરબૈજાને જાહેર કરેલા આંકડા પ્રમાણે 2024ના વર્ષમાં અત્યાર સુધી ઈઝરાયેલને અઝરબૈજાને 297 મિલિયન ડોલરનુ ક્રુડ ઓઈલ વેચ્યુ છે. જે બીજા દેશો કરતા ઘણુ વધારે છે.
તાજેતરમાં જર્મનીમાં ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્જોગ અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ વચ્ચે મુલાકાત થઈ હતી. એ પછી અઝરબૈજાને જાહેર કરેલા નિવેદનમાં કહેવાયુ છે કે, ઈઝરાયેલ અને અઝરબૈજાન વચ્ચે વેપાર, આર્થિક, સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર વિચારણા થઈ છે.
મુસ્લિમ દેશો ઈઝરાયેલનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અઝરબૈજાન ખુલ્લેઆમ ઈઝરાયેલનો સહયોગ કરી રહ્યુ છે અને બદલામાં તેની પાસેથી હથિયાર પણ ખરીદી રહ્યુ છે.
ગાઝા યુધ્ધ પછી પણ અઝરબૈજાને ઈઝરાયેલ સાથે સબંધો ચાલુ રાખવાની નીતિ અપનાવી છે . કારણકે ઈઝરાયેલ આર્મેનિયા સામે લડવા માટે અઝરબૈજાનને અત્યાધુનિક હથિયારો પૂરા પાડી રહ્યુ છે.
બીજી તરફ આર્મેનિયામાં ઈઝરાયેલ સામે અને ખાસ કરીને યહૂદીઓ સામે વિરોધ વધી રહ્યો છે અને ઈઝરાયેલના અન્ય દેશોમાં રહેતા નાગરિકો માટેના મંત્રાલયનુ કહેવુ છે કે, આર્મેનિયામાં યહૂદી વિરોધી લાગણી ચિંતાજનક રીતે વધી રહી છે અને તેની પાછળનુ કારણ અઝરબૈજાનને ઈઝરાયેલ દ્વારા પૂરા પાડવામાં આવતા હથિયારો છે.