ઇઝરાયેલનો લેબનોન પર હુમલો : હીઝબુલ્લાહના કમાન્ડર સહિત 45 આતંકીનો સફાયો
- ઇઝરાયેલના ગાઝા પરના હુમલામાં 11ના મોત
- હમાસ શસ્ત્રો હેઠા મૂકે અને બંધકોને છોડી દે તો ઇઝરાયેલ યુદ્ધ પૂરુ કરવા માટે તૈયાર : નેતન્યાહુ
- જોર્ડન સરહદેથી ઇઝરાયેલ પર પહેલી વખત આતંકવાદી હુમલો કરાયો : આઇડીએફે બેને ઠાર કર્યા
બૈરૂત : લેબનોના દક્ષિણ ભાગમાં ઇઝરાયેલના લશ્કર અને હીઝબુલ્લાના આતંકવાદીઓ વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. ઇઝરાયેલના લશ્કરે છેલ્લા ૨૪ કલાકમાં હીઝબુલ્લાહના બટાલિયન કમાન્ડર સહિત ૪૫ને આતંકીને ઠાર કર્યા છે. જ્યારે હીઝબુલ્લાહે ઇઝરાયેલના પાંચ સૈનિકો મારી નાખ્યા છે અને અનેકને ઇજા પહોંચાડી છે. ગાઝામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં ૧૧ના મોત થયા છે. આ દરમિયાન જોર્ડન સરહદેથી ઇઝરાયેલમાં પહેલી વખત હુમલો થયો છે. તેમા ઇઝરાયેલના સૈનિકોએ એકને ઠાર કર્યો છે.
હમાસના વડા સિન્વારને માર્યા પછી ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુએ ગાઝાવાસીઓને સંબોધીને જણાવ્યું હતું કે જો હમાસ શસ્ત્રો મૂકી દે અને બંધકોને પરત કરે તો આવતીકાલે યુદ્ધ બંધ થઈ જાય. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી હમાસ બંધકોને છોડશે નહીં ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ પૂરું નહી થાય. સિન્વારની મોત ગાઝામાં યુદ્ધનો અંત નથી, પણ અંતની શરૂઆત છે. હાલમાં ગાઝામાં કુલ ૧૦૧ બંધકો છે. આ બંધકો ૨૩ દેશોના નાગરિકો છે.
આ ઉપરાંત હમાસે સ્વીકાર્યુ હતું કે તેના નેતા યાહ્યા સિન્વારની મોત થઈ ચૂકી છે. હમાસના અન્ય અગ્રણી ખલીલ અલ હય્યાએ સિન્વારના મોતને સમર્થન આપ્યું હતું. તેની સાથે તેણે તે વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે ઇઝરાયેલના બંધકોને ત્યાં સુધી છોડવામાં નહીં આવે જ્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય. ગાઝા પર હુમલો રોકાય નહીં અને ઇઝરાયેલ પાછું જાય નહીં ત્યાં સુધી હુમલા નહીં રોકાય.
આ ઉપરાંત એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં જોર્ડન સરહદેથી કેટલાક આતંકવાદીઓએ ઇઝરાયેલના દક્ષિણ હિસ્સામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ મૃત સમુદ્ર વિસ્તારમાંથી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. બે આતંકવાદીઓએ ઇઝરાયેલના દળો પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો અને આઇડીએફે બંનેને ઠાર કર્યા હતા.