એક તરફ શોક સભાઓ, બીજી તરફ ભયાનક હુમલો: લેબેનોનમાં ઈઝરાયલે 100 એરક્રાફ્ટથી કરી એરસ્ટ્રાઈક
Israel-Hezbollah War: ઈઝરાયલમાં એક તરફ 7 ઓક્ટોબરના હુમલાની વરસી પર શોકસભાઓ ચાલી રહી હતી તો બીજી તરફ તેની સેના યુદ્ધ લડી રહી હતી. સોમવારે ઇઝરાયલે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા 130 રોકેટ હુમલાનો જવાબ તેના 100 ફાઈટર પ્લેન સાથે લેબેનોનમાં લગભગ 120 સ્થળોને નિશાન બનાવીને આપ્યો હતો. આ વિમાનો લગભગ એક કલાક સુધી બોમ્બ ફેંકતા રહ્યા હતા.
IDF એ આપી આ જાણકારી
જેને ધ્યાનમાં લેતા IDFના પ્રવક્તાએ લેબેનીઝ નાગરિકોને આગામી સૂચના સુધી દરિયાકિનારા પર અથવા અવલી નદીની દક્ષિણે બોટ પર રહેવાનું ટાળવા ચેતવણી જારી કરી હતી.
IDF એ પણ સોમવારે જાહેર કર્યું હતું કે અમે ઉત્તરી ઇઝરાયલમાં એક નવું બંધ લશ્કરી ક્ષેત્ર જાહેર કર્યું છે. ભૂમધ્ય સમુદ્રથી પૂર્વ તરફ વિસ્તરેલા લેબેનોનમાં ઇઝરાયલી ગ્રાઉન્ડ ઓપરેશનની શરૂઆત પછી આ ચોથો બંધ લશ્કરી ક્ષેત્ર છે.'
હવાઈ હુમલાઓ વિશે માહિતી આપતા, IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારા વિમાનોએ હિઝબુલ્લાના વિવિધ યુનિટ્સને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા. જેમાં દક્ષિણી મોરચાના રિજનલ યુનિટ્સ, રાદવાન ફોર્સીઝ, મિસાઈલ અને રોકેટ ફોર્સ તેમજ ઈન્ટેલીજન્સ યુનિટનો સમવેશ થાય છે.'
ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ
IDF અનુસાર આ હુમલાઓ પાછળનો હેતુ હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. તેમજ ઈઝરાયલે આ હુમલા હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે કર્યા હોવાની IDF જાણકારી આપી હતી. તેમજ આ હવાઈ હુમલાઓ ઈઝરાયલના ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ સૈનિકોને તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા હતા.
એક તરફ ઈઝરાયલમાં 7 ઓક્ટોબરના હુમલાની વરસી પર શોકસભાઓ ચાલી રહી હતી તો બીજી તરફ તેની સેના અનેક મોરચે લડી રહી હતી. ઇઝરાયલે લેબેનોનમાં તેની ગ્રાઉન્ડ કામગીરીનો વિસ્તાર કર્યો અને IDFનું 3જી ડિવિઝન પણ યુદ્ધમાં જોડાયું.
આ પણ વાંચો: ગાઝા યુદ્ધની વરસીએ ઈઝરાયલનો બીરૂત ઉપર પ્રચંડ હવાઈ હુમલો
લેબેનોનથી ઈઝરાયલમાં 130 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા
ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં વધારો થયો હોવા છતાં, હિઝબુલ્લાએ સોમવારના દિવસ દરમિયાન 130 થી વધુ રોકેટ છોડ્યા હતા. આમાંથી મોટાભાગના રોકેટ ઈઝરાયલનું ત્રીજું સૌથી મોટું શહેર હાઈફાને નિશાન બનાવીને છોડવામાં આવ્યા હતા.
સાંજ પડતાંની સાથે જ, યમનમાંથી હુથી દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલને ઈઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ દ્વારા હવામાં તોડી પાડવામાં આવી હતી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લેબેનોનથી હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા કેટલાક રોકેટને આયર્ન ડોમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ખાલી વિસ્તારોમાં પડ્યા હતા.