ઈઝરાયલે ગાઝામાં સ્કૂલ પર કર્યા ભયાનક હુમલા, 7 બાળકો સહિત કુલ 30 લોકોનાં મોતથી હડકંપ
- યુદ્ધવિરામની વાટાઘાટોની તૈયારી વચ્ચે હમાસ પર હુમલા જારી
- ઇઝરાયેલના લશ્કરનો દાવો : સ્કૂલમાં હમાસનું કમાન્ડ સેન્ટર હતુ અને ત્યાંથી હુમલા માટે આદેશ આપવામાં આવતા હતા
ગાઝા : ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત ૩૦ના મોત થયા હત અને ૧૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓને ઇજા થઈ છે. ઇઝરાયલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેઓએ ા સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તેનો ઉપયોગ ઇઝરાયેલના લશ્કર પર હુમલો કરવાનો આદેશ આપવા થતો હતો અને તેમા મોટાપાયા પર ગુણવત્તાસભર શસ્ત્રો ગોઠવવામાં આવ્યા હતા. હમાસે ઇઝરાયેલના લશ્કરના જવાબને ખોટો ગણાવ્યો હતો.
ગાઝામાં સિવિલ ડિફેન્સ વર્કરોએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેનો મેડિકલ સાઇટ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે. એપીના પત્રકારોએ પણ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામેલા બાળકને જોયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય હુમલામાં કમસેકમ ૧૨ના મોત થયા હતા. ગર્લ્સ સ્કૂલ પરના હુમલામાં સાત બાળકો અને સાત મહિલાના મોત થયા હતા.
અમેરિકા, ઇજિપ્ત, કતાર અને ઇઝરાયેલના અધિકારીઓ રવિવારે ઇટલીમાં યુદ્ધવિરામની મંત્રણા માટે મળવાના છે. સીઆઇએના ડિરેક્ટર બિલ બર્ન્સ કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની, મોસાદના ડિરેકટર ડેવિડ બાર્નિયા અને ઇજિપ્તના જાસૂસી વડા અબ્બાસ કામેલને મળવાના છે, એમ અમેરિકા અને ઇજિપ્તના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
અમેરિકન અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ ત્રણ તબક્કાના ડીલના મૂળભૂત માળખાને લઈને સંમત થઈ ગયા હતા. પણ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ યુએસ કોંગ્રેસમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ હમાસને ખતમ કરીને જ યુદ્ધ પૂરુ કરશે.