પહેલા લોકોને દક્ષિણ ગાઝા સ્થળાંતર કરવા કહ્યું અને હવે ત્યાં જ ઈઝરાયલી એરફોર્સ દ્વારા બોમ્બમારાનો દાવો
ગલ્ફ કન્ટ્રીના જાણીતા મીડિયાના પત્રકારનો પરિવાર ઈઝરાયલી હુમલાની ભેટ ચઢી ગયો
ગાઝામાંથી ખસી ગયેલા નાગરિકોની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ!
Israel vs Hamas War | યુદ્ધના શરૂઆતના સમયમાં ઈઝરાયલે ઉત્તરગાઝા પટ્ટીના લોકોને દક્ષિણ તરફ ખસી જવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તમે અમારા હુમલામાં ત્યાં સુરક્ષિત રહેશો. તેમ છતાં ઈઝરાયલી એરફોર્સના (Israel Air Strike) વિમાને દક્ષિણ ગાઝામાં બોમ્બમારો કરવાની શરૂઆત કરી દીધી છે. આ હુમલાને કારણે ત્યાં સ્થળાંતર કરનારા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તે ત્યાં પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેમનું માનવું છે કે એના કરતાં તો તેઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત હતા.
મૃતકાંક કેટલો થયો?
ગાઝાના (Gaza Strip) અધિકારીઓનું કહેવું છે કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલી હુમલા બાદથી અત્યાર સુધીમાં 6546 પેલેસ્ટિનીઓના મોત થઈ ચૂક્યા છે. એક અહેવાલ અનુસાર ગાઝા પટ્ટીના લોકોનું કહેવું છે કે 25 ઓક્ટોબરે અહીં ભારે બોમ્બમારો કરાયો હતો. એક હુમલામાં ઈજિપ્તથી લગભગ 10 કિ.મી. દૂર ખાન યુનિસમાં અનેક એપાર્ટમેન્ટની ઈમારતો ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.
આઈડીએફએ શું કહ્યું?
આ મામલે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)નું કહેવું છે કે ભલે હમાસનું મુખ્ય કેન્દ્ર ગાઝા શહેરમાં છે પણ તે હજુ સામાન્ય નાગરિકો વચ્ચે ફેલાયેલો છે. સૈન્યએ કહ્યું કે જ્યાં પણ હમાસના ઠેકાણાં હશે આઈડીએફ તેમને નિશાન બનાવશે. સામાન્ય નાગરિકોને ઓછું નુકસાન થાય તેના માટે સાવચેતી રખાશે. ઈઝરાયલી સેનાનું કહેવું છે કે જે ઘરોમાં આતંકી રહે છે તેમને જ નિશાન બનાવાઈ રહ્યા છે ભલે તેમની સાથે નાગરિકો પણ રહેતા હોય. ઈઝરાયલી વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ખાનગી ઘર ખાનગી નથી તેમાં હમાસના આતંકીઓ પણ શરણ લઈ રહ્યા છે.
સતત હવાઈ હુમલામાં પત્રકારનો પરિવાર પામ્યો મૃત્યુ
ગાઝામાં ઈઝરાયલી સૈન્ય દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે. મીડિયાના અહેવાલો અનુસાર બુધવારે રાતે ઈઝરાયલના હવાઈ હુમલામાં અરબ ક્ષેત્રના મોટા મીડિયા ચેનલ અલ જઝીરાના (Al Jazira) પત્રકારની પત્ની, દીકરો અને દીકરી મૃત્યુ પામી ગયા હતા. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે આ હુમલામાં ઓછામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા.