ઈઝરાયલે બદલો લેવાનું શરૂ કર્યું, ઈરાનના પરમાણુ ઠેકાણાં પર તાબડતોબ મિસાઈલો ઝીંકતાં હડકંપ
Israel Attack On Iran | ઈરાન દ્વારા ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરાયા બાદ હવે ઈઝરાયલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે. તાજેતરના અહેવાલ અનુસાર ઈઝરાયલ દ્વારા શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હોવાની માહિતી છે.
ક્યાં કરાયો હુમલો?
અત્યાર સુધીની માહિતી મુજબ ઈરાનની ન્યૂક્લિયર સાઈટને નિશાન બનાવીને ઈઝરાયલને ધડાધડ મિસાઈલો ઝિંકી હતી. જેમાંથી ત્રણ મિસાઈલો આ પ્લાન્ટ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી છે. હુમલો થતાં જ ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ સૈન્ય ઠેકાણાને હાઈ એલર્ટ કરી દીધા છે. એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દેવામાં આવી છે.
ઈસાફહાન શહેરમાં હડકંપ
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ હુમલો શુક્રવારે સવારે થયો હતો. ઈસાફહાન શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવાયા હોવાની માહિતી છે. ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. આ શહેરમાં અનેક ન્યૂક્લિયર પ્લાન્ટ આવેલા છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ અહીં જ ચાલી રહ્યો છે. હુમલાની માહિતી મળતાં જ અનેક ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ હતી.