26 દિવસ બાદ ઈઝરાયલે ઈરાનને આપ્યો જવાબ, તહેરાન સહિત અનેક શહેરોમાં કર્યા હુમલા
Israel vs Iran War Updates | ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર 200થી મિસાઈલો વડે ભયાનક હુમલો કર્યો હતો જેના જવાબરૂપે ઈઝરાયલે હવે આ કાર્યવાહી કરી છે.
IDF એ નિવેદન જાહેર કર્યું
IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની મીડિયા દ્વારા પણ આપવામાં આવી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ઈઝરાયેલે તહેરાન નજીક અનેક સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.
ઈઝરાયલ પર સતત સાત મોરચે હુમલા...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આઈડીએફએ કહ્યું હતું કે ઈરાન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલા કરી રહ્યા છે, જેમાં ઈરાની ધરતી પરથી સીધા હુમલાનો પણ સમાવેશ થાય છે. વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ ઇઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
સીરિયામાં પણ કરાયા હુમલા
IDF એ અન્ય એક ફોટો શેર કર્યો હતો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઇઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે કેમ્પ રાબિન (કિરિયા) ખાતે આવેલા ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાના કમાન્ડ આપતા દેખાય છે. બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર ઇઝરાયલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સીરિયાએ ઇઝરાયલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.