આરબ દેશો સાથે અસ્તિત્વની લડાઈ લડતું ઈઝરાયલ, બે-ચાર વાર નહીં, પણ નવ વખત જંગે ચઢી ચૂક્યું છે
Israel And Arab Countries: આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલું ઈઝરાયલ પોતાના સાર્વભૌમત્વમાં દૃઢપણે માને છે અને એ માટે પોતાનો તીખો મિજાજ એ અવારનવાર દેખાડતું રહે છે, ખાસ કરીને એના પડોશી દુશ્મન દેશોને. તાજેતરમાં ઈઝરાયલે લેબેનોન વિરુદ્ધ આક્રમકતા દેખાડી, પણ આ પહેલીવાર નથી કે ઈઝરાયલે રૌદ્ર રૂપ દેખાડ્યું હોય. પશ્ચિમ એશિયાના આ નાનકડા દેશનો ઇતિહાસ લોહીયાળ યુદ્ધોથી રક્તરંજિત થયેલો છે. ઈઝરાયલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને આજ સુધીની એની યુદ્ધ-તવારીખ રસપ્રદ છે. બે-ચાર નહીં, ગણીને પૂરા નવ વખત ઈઝરાયલ જંગે ચઢી ચૂક્યું છે. ચાલો એક નજર નાખીએ એ યુદ્ધો પર.
પહેલું યુદ્ધ (1948)
વર્ષ 1948 માં ઈઝરાયલની રચના થઈ હતી અને એ સાથે જ ઈઝરાયલે યુદ્ધમાં જોતરાવું પડ્યું હતું. પેલેસ્ટાઇનમાંથી છૂટું પડીને અલગ દેશ બનેલ ઈઝરાયલ પર ખુન્નસ રાખીને પાંચ આરબ રાષ્ટ્રોએ ભેગા મળીને ઈઝરાયલ પર હુમલો કરી દીધો હતો. હુમલો કરનાર દેશ હતા ઈજિપ્ત, ઈરાક, જોર્ડન, લેબેનોન અને સીરિયા. ઈઝરાયલે એકલે હાથે પાંચેના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એ યુદ્ધમાં ગાઝા પટ્ટી સિવાયના મોટા વિસ્તાર પર ઈઝરાયલે કબજો જમાવી લીધો હતો.
બીજું યુદ્ધ (1956)
1956માં ઈજિપ્તના પ્રમુખ ગેમલ અબ્દેલ નાસેરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. એ સમયે આ નહેર જે કંપનીની માલિકીની હતી, તે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા નિયંત્રિત હતી. આ બાબતે અંટસ સર્જાતાં ઈઝરાયેલનો સાથ લઈને ફ્રાન્સ અને બ્રિટને ઈજિપ્ત પર હુમલો કર્યો હતો અને કેનાલ ઝોન પર કબજો કરી લીધો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ વિજેતા દેશોએ ટૂંક સમયમાં એ ઝોન પરનો કબજો છોડી દેવો પડ્યો હતો.
ત્રીજું યુદ્ધ (1967)
દસેક વર્ષ બાદ 1967માં ઈઝરાયેલ અને તેના પડોશી દેશો વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. ઇતિહાસમાં આરબ-ઇઝરાયેલ યુદ્ધ તરીકે નોંધાયેલું એ યુદ્ધ 5 જૂનથી 11 જૂન સુધી એમ ફક્ત 6 દિવસ સુધી ચાલ્યું હતું. એ યુદ્ધમાં 5 લાખ પેલેસ્ટિનિયનો બેઘર બન્યા હતા. એ યુદ્ધમાં ઈઝરાયલે ગાઝામાં ઈજિપ્તને, ગોલાનના પર્વતોમાં સીરિયાને અને જેરુસલેમના પશ્ચિમ અને પૂર્વ કાંઠે જોર્ડનને હરાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પની હત્યા કરવાનો પ્લાન આ દેશે ઘડ્યો, જેથી..' અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરનો ધડાકો
ચોથું યુદ્ધ (1973)
1967ના યુદ્ધમાં ઈજિપ્ત અને સીરિયા જે જમીન ગુમાવી બેઠું હતું એ ફરી મેળવવા માટે એ બન્ને દેશો પ્રયત્નશીલ હતા, પણ રાજદ્વારી માધ્યમો દ્વારા તેમની જમીન પાછી ન મળતાં બન્ને દેશે 1973માં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ રોકવામાં અમેરિકા, સોવિયેત યુનિયન અને યુનાઇટેડ નેશન્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પાંચમું યુદ્ધ (1982)
લેબેનોનમાં ઉછરી રહેલા ‘પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન’ને મારી હટાવવા માટે ઈઝરાયલે 1982માં લેબેનોન પર આક્રમણ કર્યું હતું. દુશ્મન દેશના શૂટરે યુનાઇટેડ કિંગડમ ખાતેના ઈઝરાયલી રાજદૂત શ્લોમો અર્ગોવની હત્યા કરવાનો પ્રયાસ કર્યા પછી ગિન્નાયેલા ઈઝરાયલે લશ્કરી હુમલો કર્યો હતો. વર્ષ 1985 સુધીમાં ઈઝરાયલે લેબેનોનમાંથી પીછેહઠ કરી હતી.
છઠ્ઠું યુદ્ધ (1987)
1987માં ઈઝરાયલી ટ્રક ડ્રાઇવરે એક નાગરિક કાર સાથે અકસ્માત કરતાં એમાં ચાર પેલેસ્ટિનિયન કામદારો માર્યા ગયા હતા, જેમાંથી ત્રણ શરણાર્થી શિબિરના હતા. પેલેસ્ટિનિયનોએ આરોપ લગાવ્યો હતો કે એ અકસ્માત જાણી જોઈને ઈઝરાયલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. એને પરિણામે પેલેસ્ટિનિયનોએ એક જન આંદોલન શરુ કર્યું હતું જે ટૂંક સમયમાં સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન ઈઝરાયલી સૈનિકો પર પથ્થર ફેંકવામાં આવતા અને તેના જવાબમાં ઈઝરાયેલી સુરક્ષા દળો ગોળીબાર કરતાં જેમાં ઘણા પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
સાતમું યુદ્ધ (2006)
વર્ષ 2006માં હિઝબુલ્લાએ ઈઝરાયલ વિરુદ્ધ ઓપરેશન શરુ કર્યું. તેમણે ઈઝરાયલના સરહદી શહેરો પર મિસાઇલ વર્ષા કરી હતી. જવાબમાં ઈઝરાયલે વળતો હુમલો કર્યો હતો. એ યુદ્ધ 34 દિવસ ચાલ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં ચૂંટણી 'હિંસક' બની! કમલા હેરિસના કાર્યાલયે બીજી વખત ગોળીબારથી ખળભળાટ
આઠમું યુદ્ધ (2023)
ગયા વર્ષે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ફક્ત 20 મિનિટમાં તેમણે 5000 રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઈઝરાયલે સામી યુદ્ધ કાર્યવાહી કરી હતી. આ યુદ્ધમાં 1200 લોકો માર્યા ગયા હતા.
નવમું યુદ્ધ (2024)
તાજેતરમાં લેબેનોનમાં પેજર હુમલો કરીને ઈઝરાયલે હાહાકાર મચાવી દીધો છે. જેને લીધે બન્ને દેશ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુદ્ધનું વાતાવરણ જામી ચૂક્યું છે. દરરોજ મિસાઇલો છોડવામાં આવી રહી છે અને એમાં બન્ને દેશના નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.