હમાસ-હિઝબુલ્લાહ અને સીરિયા બાદ હવે આ દેશની પાછળ પડ્યો ઈઝરાયલ, કરી તાબડતોબ એરસ્ટ્રાઈક
Israel attack on yemen | યમનના હુથી બળવાખોરોએ સેન્ટ્રલ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યા પછી ઇઝરાયેલે તેમની રાજધાની પર એરસ્ટ્રાઇક કરી હતી. બળવાખોરોની રાજધાની અને પોર્ટ સિટી પરના હુમલામાં ઓછામાં ઓછા 9 ના મોત થયા હતા. ઇઝરાયેલના આ હુમલાના પગલે હવે ઇરાન સમર્થિત આ હુથીઓ સાથેનો સંઘર્ષ આગળ વેગ પકડે તેમ માનવામાં આવે છે.
હુથી બળવાખોરોના લાલ સમુદ્ર પરના હુમલાના લીધે વૈશ્વિક વ્યાપાર પ્રભાવિત થયો છે. આ હુથી બળવાખોરોએ તો અત્યાર સુધી ઇઝરાયેલ પર તીવ્ર લશ્કરી હુમલા કરવાનું ટાળ્યું છે, આમ છતાં તેણે 7 ઓક્ટોબર 2023 પછી ઇઝરાયેલ પર 200થી વધુ મિસાઇલ હુમલા કર્યા છે. આમ તેમણે ઇઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઇનના હમાસ અને ઇઝરાયેલના હીઝબુલ્લાહ જૂથને મદદ કરી હતી.
ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેમણે બે તબક્કામાં હુમલા કર્યા હતા. આ ઓપરેશન ગુરુવારે વહેલા શરૂ થયુ હતુ અને તેની સાથે 14 જેટ જોડાયેલા હતા. પ્રથમ હુમલામાં હોલેઇડા, સૈફના બંદરના ઇન્ફ્રાસ્ટ્રકચર અને લાલ સમુદ્રમાં રાસ ઇસા ઓઇલ ટર્મિનલને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.
હુમલાના બીજા તબક્કામાં ફાઇટર જેટ્સે સાના શહેરમાં હુથીના વીજ ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવ્યું હતું.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ કહી ચૂક્યા છે કે હમાસ, હિઝબુલ્લાહ અને સીરિયાના બશર અલ અસદ એમ ત્રણ ઇઝરાયેલ વિરોધી શાસન ખતમ થયા પછી હવે એકમાત્ર ઇઝરાયેલ વિરોધી શાસન યેમેનના હુથી બળવાખોરોનું છે. હુથી બળવાખોરો ઇરાનના પ્રોક્સી વોરનો અંતિમ હિસ્સો છે, તે ખતમ એટલે આખા મધ્યપૂર્વમાંથી ઇરાનનો પગ જ નીકળી જશે.
ઇઝરાયેલને જે પણ નુકસાન કરશે તેણે તેની આકરી કિંમત ચૂકવવી પડશે. ઇઝરાયેલે સાના શહેરના બે વીજમથક પર હુમલા કરતાં અહીં વીજળીના મોરચે સ્થિતિ અત્યંત વણસી ગઈ છે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચરની બગડેલી સ્થિતિ જોતા જે લોકો પાસે રૂપિયા છે તે લોકો વીજળી ખરીદી શકે છે. સાના શહેરની મોટાભાગની દુકાનો, ઓફિસો વગેરે માટે વીજકાપ દૈનિક બાબત બની ગઈ છે.