VIDEO: નસરુલ્લાહના ભાષણ ટાણે લેબેનોનનાં ઘણાં શહેરોમાં ઈઝરાયલનો રૉકેટ હુમલો, હિઝબુલ્લાહનો પણ વળતો પ્રહાર
Israel Airstrike on Lebanon: લેબેનોનમાં મંગળવારે પેજર સીરિયલ બ્લાસ્ટ અને બુધવારે અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના વાયરલેસ ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ હિઝબુલ્લાહે ઇઝરાયલને ધમકી આપી હતી. જે પછી ઇઝરાયલે પ્રતિક્રિયા આપતા હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી મિસાઇલ હુમલા કર્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, ટીવી પર હિઝબુલ્લાહના વડાનું ભાષણ ચાલું હતું અને ત્રણ ઇઝરાયલી એરક્રાફ્ટે લેબેનોનમાં ઘૂસી હવાઇ હુમલા કર્યા હતા. જે પછી હિઝબુલ્લાહ પણ ઇઝરાયલ પર વળતો પ્રહાર કરી રહ્યો છે. જો કે, આવી સ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ હજુ વધવાની શક્યતા છે.
ઇઝરાયલનો લેબેનોન પર હુમલો
મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) એ પુષ્ટિ કરી છે કે, 'તેઓ લેબનોનમાં ઘણા લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે અને તેમનું લક્ષ્ય હિઝબુલ્લાહની આતંકવાદી ક્ષમતાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનું છે. X પર એક પોસ્ટમાં, આઇડીએફ એ કહ્યું કે હિઝબુલ્લાહે નાગરિકોના ઘરોને હથિયારોથી ભરી દીધા છે. ઘરોની નીચે ટનલ ખોદવામાં આવી છે. નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. દક્ષિણ લેબનોન યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. અગાઉ એક દિવસ પહેલા પણ આઇડીએફ એ કહ્યું હતું કે, 'અમારા સૈનિકોએ હિઝબુલ્લાહના છ મથકો અને એક હથિયારના ડેપો પર બોમ્બમારો કર્યો હતો.'
આ પણ વાંચોઃ ...તો ચીનને પડશે મોટો ફટકો ! હિંદ મહાસાગરમાં દબદબો વધારવા ભારત-અમેરિકાએ શરૂ કરી કવાયત
હિઝબુલ્લાહના વડાનો TV પર ભાષણ ચાલતો હતો
પેજર અને વોકી ટોકીમાં બ્લાસ્ટની ઘટનાઓ પર હિઝબુલ્લાહનો વડા હસન નસરલ્લાહ TV પર ભાષણ આપી રહ્યો હતો. ત્યારે જ ઇઝરાયલે લેબેનોનમાં એરસ્ટ્રાઇક કરી હતી. હસન નસરલ્લાહે તેના ભાષણમાં કહ્યું હતું કે, 'ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના માળખાને કોઇ નુકસાન થયું નથી. જો કે, સામાન્ય લોકોને આમાં ચોક્કસપણે નુકસાન થયું છે. હાલ અમે કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી રહ્યા, પરંતુ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. લેબેનોનમાં સતત હુમલા ઇઝરાયલ તરફથી યુદ્ધનું એલાન છે. પણ અમે ઇઝરાયલને સફળ થવા દઇશું નહીં.' નસરલ્લાહે આ ઘટનાને મોટી સુરક્ષા ચુક ઉપરાંત આતંકવાદી હુમલો અને નરસંહાર ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ સાઉદીનો મોટો નિર્ણય, ઈઝરાયલ-અમેરિકાને આપ્યો ઝટકો, કહ્યું - 'જ્યાં સુધી પેલેસ્ટાઈન...'
ઇઝરાયલને ધમકી આપી
હસન નસરલ્લાહે આ ઘટના અંગે પશ્ચિમી દેશો પર આરોપ મૂક્યો હતો અને ઇઝરાયલને ધમકી આપી હતી. તેણે કહ્યું કે, 'અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોને કારણે ઇઝરાયલ પાસે આટલી ટેક્નિકલ ક્ષમતા છે. પરંતુ આટલી મજબૂત ક્ષમતા હોવા છતાં તેઓ અમને ઘૂંટણિયે લાવી શક્યા નથી. હિઝબુલ્લાહ પર આ હુમલાની યોગ્ય સજા આપવામાં આવશે અને તે પણ એવી જગ્યાએ જ્યાં ઈઝરાયલે વિચાર્યું પણ ન હોય.'