ગાઝા પર હુમલા વચ્ચે ઈઝરાયલના 1000 સૈનિકોનો બળવો, નેતન્યાહૂ સરકારે હાથ ધરી કાર્યવાહી
Israel Armed force Revolt: ઇઝરાયલની સેનામાં સામેલ 1000 એરફોર્સ રિઝર્વ સૈનિકોએ ગાઝા યુદ્ધ વિરૂદ્ધ બળવો કર્યો છે. પરંતુ આ બળવા સામે ઇઝરાયલની નેતન્યાહૂ સરકારે આકરો જવાબ આપતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિરોધ કરનારા તમામ 1000 સૈનિકોની વાયુ સેનામાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ સૈનિકોએ ગાઝા સાથેના યુદ્ધનો વિરોધ કરતાં સરકારને એક પત્ર લખ્યો હતો કે, સરકાર આ યુદ્ધ રાજકીય ફાયદા માટે લડી રહી છે. તેમનો ઉદ્દેશ બંધકોને ઘરે પરત લાવવાનો નથી.
સેનામાં મતભેદો સ્વીકાર્ય નથી
ઇઝરાયલની સેનાના વિરોધ મુદ્દે ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 'સેનાની અંદર જ મતભેદો સ્વીકાર્ય નથી. આ એક એવો સમય છે, જ્યારે તમામ સૈનિકોએ સાથે મળીને લડવુ જોઈએ. સહકાર આપવાના બદલે સવાલો ઉઠાવી વિરોધ કરવો યોગ્ય નથી. આમ કરવાથી સૈનિકોનું મનોબળ તૂટી જાય છે.'
સૈનિકો પણ સેનામાં રહેવા માગતા નથી
નેતન્યાહૂ સરકારની આ કાર્યવાહી સામે 1000 સૈનિકોએ નિવેદન આપ્યું છે કે, 'અમે પણ નિર્ણય લીધો છે, અમારામાંથી કોઈ પણ સૈનિક હવે સેનામાં સેવા આપવા માગતું નથી. ઇઝરાયલની સેનામાં સામેલ 1000 એરફોર્સ રિઝર્વ સૈનિકો અને રિટાયર જવાનોએ યુદ્ધનો વિરોધ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમજ ફરજ પર કાર્યરત સૈનિકોએ રાજીનામું આપ્યું હતું. આ પત્રમાં માગ કરવામાં આવી હતી કે, હમાસમાં અમારા કેદ બંધકોને તુરંત પરત લાવવામાં આવે. તેની અવેજમાં ભલે યુદ્ધ સમાપ્ત કરવુ પડે.'
ગાઝા અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના કરાર વચ્ચે ફરી પાછા હુમલાઓ થઈ રહ્યા છે. ઇઝરાયલ હમાસ પર દબાણ બનાવવા ગાઝા પટ્ટીના રસ્તાઓ બ્લોક કરી હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ માને છે કે, 'આ હુમલાઓથી હમાસ ઝૂકી જશે અને બંધકોને મુક્ત કરવા સમાધાન કરશે. એવામાં ઇઝરાયલની સેનામાં વિરોધનો સૂર તેમની ચિંતામાં વધારો કરે છે.'
ઇઝરાયલના 59 બંધક
ઇઝરાયલની સેના દ્વારા હવે બેન્જામિન નેતન્યાહૂ સરકાર પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હમાસમાં 59 લોકો બંધક છે અને તેમાંથી લગભગ અડધા લોકો મૃત્યુ પામ્યા છે. ઇઝરાયલી નાકાબંધીને કારણે, છેલ્લા ઘણા અઠવાડિયાથી ગાઝા સુધી રાશન, દવા સહિત ઘણી આવશ્યક વસ્તુઓની પહોંચ મુશ્કેલ બની ગઈ છે. ઇઝરાયલ હાલમાં ગાઝાના મોટા ભાગ પર કબજો ધરાવે છે અને ત્યાં એક નવો સુરક્ષા કોરિડોર પણ સ્થાપિત કર્યો છે.
યુદ્ધ વિરુદ્ધ પત્ર લખનારા સૈનિકોએ યુદ્ધમાંથી ખસી જવાની વાત કરી નથી, પરંતુ તેમણે ચોક્કસ વિરોધ કર્યો છે. પત્ર લખનારાઓમાંના એક ભૂતપૂર્વ સૈનિકે જણાવ્યું કે, 'આપણે યુદ્ધ લડવાનું ચાલુ રાખીએ તે સંપૂર્ણપણે અતાર્કિક છે. આમ કરીને આપણે બંધકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છીએ. આ ઉપરાંત, આપણા સૈનિકો પણ જોખમમાં છે અને ગાઝાના નિર્દોષ લોકો પણ મૃત્યુ પામી રહ્યા છે. આ યુદ્ધનો કોઈ વિકલ્પ હોઈ શકે છે, જેનો આપણે વિચાર કરવો જોઈએ.'