અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કેરાલાના એક નાગરિકની ધરપકડ, ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હોવાની આશંકા
image : Social media
કાબુલ,તા.01 માર્ચ 2024,શુક્રવાર
કેરાલાના એક વ્યક્તિની અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેના પર ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન સંગઠન દ્વારા તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરી છે ત્યારથી આતંકી હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સંગઠન સાથે જોડાયેલા હોવાના આરોપ સર સનાઉલ ઈસ્લામ નામના વ્યક્તિની કંદહારમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે કેરાલાનો નાગરિક હોવાની જાણકારી સામે આવી હતી.
અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીના એક અધિકારીએ કહ્યુ હતુ કે, જ્યારે આ વ્યક્તિને તેના કંદહાર આવવા પાછળનુ કારણ પૂછવામાં આવ્યુ હતુ ત્યારે તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તે ભારતના કેરાલા સ્ટેટનો રહેવાસી છે અને તાજાકિસ્તાનના રસ્તે થઈને અફઘાનિસ્તાન પહોંચ્યો છે. તે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હોવાની અમને શંકા છે.
ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 2014થી અત્યાર સુધી ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 11 ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનમાં માર્યા ગયા છે અથવા તો પકડાયા છે. જેમાંથી મોટાભાગના કેરાલાના રહેવાસી છે.
બીજી તરફ કેરાલાના વધુ એક વ્યક્તિનુ નામ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલુ હોવાના કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. આ પહેલા એનઆઈએ દ્વારા કેરાલામાં ઈસ્લામિક સ્ટેટના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ ભારત સામે ષડયંત્ર રચવાના આરોપસર પણ વારંવાર પકડાતા રહ્યા છે.
તાલિબાન પોતે દુનિયામાં આતંકી સંગઠન તરીકે વધારે જાણીતુ છે પણ તાલિબાનના નેતાઓ પણ હવે ઈસ્લામિક સ્ટેટના આતંકથી અફઘાનિસ્તનમાં સુરક્ષિત નથી રહ્યા. એક અહેવાલ પ્રમાણે તાલિબાનને કાબૂમાં રાખવા હવે પાકિસ્તાને પણ ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને સપોર્ટ કરવાનુ શરૂ કર્યુ છે.