ફરી 'ખિલાફત' આંદોલન માથું ઉંચકે છે : ઈસ્તંબુલમાં ચર્ચમાં થયેલા હુમલાની આઈ.એસ.એ. જવાબદારી લીધી
- ઈસ્તંબુલનાં ચર્ચમાં રવિવાર સાંજની પ્રાર્થના દરમિયાન ઈસાઈ વિધર્મીઓ અને તેમના બહુદેવવાદી કાર્યક્રમ વખતે અમે હુમલો કર્યો હતો : ટંડનું નિવેદન
ઈસ્તંબુલ : થોડાં વર્ષો પૂર્વે અંતિમ શ્વાસ ગણી રહેલું કુખ્યાત સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ખિલાફત) ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. તુર્કીનાં એક ચર્ચ ઉપર ગત રવિવારે સાંજના 'માસ' (પ્રાર્થનાસભા) સમયે થયેલા હુમલાની તેણે જવાબદારી લીધી છે. ઈસ્તંબુલનો બુટુકેડેરેમાં સેન્ટા-મારિયાના ચર્ચમાં ઈસાઈ વિધર્મીઓ અને તેના બહુદેવવાદી કાર્યક્રમ દરમિયાન અમે હુમલો કર્યો હતો. તેમ આ આતંકી જૂથે તેનાં સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે.
તૂર્કીના ગૃહમંત્રી અલિ યેરલિકાયાએ આ અંગે જણાવ્યું હતું કે આ અંગે 'ઈસ્લામિક સ્ટેટ'ના ૨ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાંથી એક તાજિકીસ્તાન અને બીજો રશિયાનો વતની છે.
આઈએસનું આ નિવેદન તૂર્કીની મીડીયા શાખા 'અમાકે' પ્રસિદ્ધ કર્યું છે. સાથે બુરખા પહેરેલા બે બંદૂકધારીઓના પણ ફોટા પબ્લિશ કર્યા છે. આ હુમલામાં એક વ્યક્તિ મારી ગઈ હતી. જ્યારે એક અન્ય કેટલાક ઘાયલ થયા હતા.
ગૃહમંત્રી યરેલિકાયાએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલાની તપાસ માટે પોલીસે અલગ અલગ ૩૦ સ્થળો ઉપર છાપા માર્યા છે, અને ૪૭ લોકોની ધરપકડ કરી છે.
તેઓએ કહ્યું - 'અમે તેવા લોકોને કદી માફ નહીં કરીએ કે જેઓ અમારા દેશની શાંતિનો ભંગ કરવાની કોશીશ કરે છે. તે લોકો આતંકવાદી છ.' તેઓ અને તેમના સાથીઓ તેવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય જૂથના એવા લોકો છે કે જેઓ અમારી એકતા અને એક જૂથતાને નિશાન બનાવે છે.
અત્રે તે ઉલ્લેખનીય છે કે આ ઈસ્લામિક સ્ટેટ (ખિલાફત) વાદી આતંકીઓએ અફઘાનિસ્તાન, તૂર્કી અને યુગાન્ડા તથા કોંગો સહિત અનેક દેશો ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે, જેમાં અનેક લોકોનાં મૃત્યુ પણ થયા છે અનેક ઈજાગ્રસ્ત પણ થયા છે.