57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ આવુ નિવેદન

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ આવુ નિવેદન 1 - image

image : Twitter

નવી દિલ્હી,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં ભારત પર દબાણ લાવવા માટે પાકિસ્તાનના ઈશારે 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશને ફરી ભારત સામે ઝેર ઓકયુ છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનના મહાસચિવ હિસેન તાહાએ કહ્યુ છે કે, 27 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર પર ભારતના કબ્જાના 76 વર્ષ પૂરા થયા છે. આ વિવાદને હલ કરવા માટે અમે યુએનમાં પસાર થયેલા પ્રસ્તાવો પ્રમાણે કાર્યવાહી કરવા માટેની અપીલને ફરી દોહરાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોને આત્મ નિર્ણય કરવાનો અધિકાર છે.

તાહાએ કહ્યુ હતુ કે, ભારતે જમ્મુ કાશ્મીરના લોકોના મૌલિક અધિકારોનુ સન્માન કરવુ જોઈએ અને કાશ્મીરમાં 370મી કલમ ફરી લાગુ કરવી જોઈએ.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન માટે ભારત સામે ઝેર ઓકવાનુ નવુ નથી. સંગઠન છાશવારે આ પ્રકારના નિવેદનો આપતુ રહ્યુ છે. આ પ્રકારના નિવેદન પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે.

27 ઓક્ટોબરને ભારત ઈન્ફન્ટ્રી ડે તરીકે ઉજવે છે. આ દિવસે ભારતીય સેનાએ કાશ્મીરમાં ઘુસેલા ઘૂસણખોરોને તગેડી મુકીને જમ્મુ કાશ્મીરના મોટા હિસ્સાને પાકિસ્તાનના હાથમાં જતો બચાવી લીધો હતો. આ માટે ભારતીય સેનાના સંખ્યાબંધ વીર જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો. જેમની યાદમાં ભારત 27 ઓક્ટોબરને ઈન્ફન્ટ્રી ડે મનાવે છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનનુ હેડ ક્વાર્ટર સાઉદી અરબમાં છે. જેમાં 57 દેશો સામેલ છે. આ સંગઠનમાં સાઉદી અરબનો ભારે દબદબો છે. જેનો ઉદ્દેશ દુનિયામાં મુસ્લિમોના હિતોનુ રક્ષણ કરવાનો છે.


Google NewsGoogle News