બંગબંધુ નહીં ઈસ્લામિક ઈતિહાસ, હસીનાને જેલ...: બાંગ્લાદેશમાં હવે નવી માંગણીઓ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
બંગબંધુ નહીં ઈસ્લામિક ઈતિહાસ, હસીનાને જેલ...: બાંગ્લાદેશમાં હવે નવી માંગણીઓ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન 1 - image


Student protests begin in Bangladesh with new demands : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવીને વચગાળાની સરકાર બનાવ્યા બાદ ફરી નવી માંગણીઓ સાથે પ્રદર્શન અને હિંસા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે બાંગ્લાદેશમાં 'શોક દિવસ' પર હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન તેમની માંગણી હતી કે પૂર્વ પીએમ શેખ હસીનાને દેશમાં પરત લાવવામાં આવે અને તેમની સામે કેસ ચલાવવામાં આવે. તો બીજી બાજુ શોક દિવસનો બહિષ્કાર કરતા પ્રદર્શનકારીઓએ કહ્યું કે, હવે બાંગ્લાદેશનો નવો ઈતિહાસ લખાશે, જેમાં તેની ઓળખ બંગબંધુ સાથે નહીં પરંતુ ઈસ્લામિક આધાર પર થશે.

શેખ હસીનાને દેશમાં લાવી તેમના પર કેસ ચલાવવાની માંગ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે શહીદ મિનાર પર અલગ અલગ વિદ્યાર્થી જૂથોએ હજારોની સંખ્યામાં પહોંચીને પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કહ્યું કે, જે લોકો બાંગ્લાદેશની પૂર્વ સરકારમાં હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. અને શેખ હસીનાને દેશમાં પરત લાવીને તેમના પર કેસ ચલાવવો જોઈએ. વિરોધમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, શેખ હસીનાએ વિદ્યાર્થી આંદોલન દરમિયાન ગોળીબાર કર્યો હતો. આ ઘટના માટે દરેક  જવાબદાર સામે પગલાં લેવા જોઈએ.

નવો ઇતિહાસ લખવાની જરૂર છે

વિરોધ પ્રદર્શનમાં આવેલા જમાત-એ-ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, આજથી બાંગ્લાદેશનો ઈતિહાસ લખવામાં આવે. અને તેમાં તેમની ઓળખ બંગબંધુ સાથે નહીં પરંતુ હવે બાંગ્લાદેશની ઓળખ ઈસ્લામિક આધારે થવી જોઈએ. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના ઘરને પણ ઘેરી લીધું હતું. તેમજ કેટલીક જગ્યાએ હિંસા પણ કરી હતી. અવામી કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. શોક દિવસનો સંપૂર્ણરીતે બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

ધાન બજારમાં પણ હિંસા

બાંગ્લાદેશના ધાન મંડી વિસ્તારમાં હિંસા થઈ હતી. અનેક વાહનો સળગાવવામાં આવ્યા અને લોકોને માર મારવામાં આવ્યો. બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાનું ઘર ધાન મંડી વિસ્તારમાં જ છે. અને 15 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બાંગ્લાદેશના સ્થાપક કહેવાતા શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. બીએનપી અને જમાતના કાર્યકરોએ કહ્યું કે, શોક દિવસ મનાવવાનો કોઈ મતલબ નથી. લોકોને રોકવા માટે શેખ હસીનાના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.


Google NewsGoogle News