બાંગ્લાદેશમાં ઈસ્કોનનું મોટું નિવેદન, કહ્યું- 'ચિન્મય કૃષ્ણ દાસ સાથે અમારે કોઈ સંબંધ નહીં...'
Iskcon In Bangladesh : બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં હિંદુ સમુદાયના અગ્રણી સંત ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ બાદ તણાવ વધ્યો છે. આ દરમિયાન ઈસ્કોન બાંગ્લાદેશ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઈસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્રાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ચિન્મય કૃષ્ણ દાસનો હવે ઈસ્કોન સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. ઈસ્કોન સંસ્થા ચિન્મય પ્રભુના કોઈપણ નિવેદન કે પ્રતિક્રિયાની જવાબદારી લેતી નથી. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ ચિન્મય પ્રભુને ઈસ્કોન સંસ્થામાંથી નીકાળી દેવામાં આવ્યાં હતા.
ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ
25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટે પર હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ થયા પછી જ બાંગ્લાદેશમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. આ સંતને છોડવાની માગ સાથે હજારોની સંખ્યામાં લોકો ચટગામની એક અદાલત પાસે એકઠા થયા હતા. આ દરમિયાન એક વકીલ સૈફુલ ઈસ્લામ આલિફની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની જામીન આપવામાં ના પાડી હતી અને રાજદ્રોહના આરોપમાં જેલ મોકલવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ હિન્દુ દેશની 17 કરોડની વસ્તીમાં માત્ર આઠ ટકા છે. જ્યારે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓને 50થી વધુ જિલ્લામાં 200 જેટલાં હુમલાનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે હિન્દુ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને દોશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ એક અદાલતે તેમને જામીન આપવાની ના પાડી હતી. જેથી રાજધાની ઢાકા અને બંદરગાહ શહર ચટગામ સહિતના અનેક વિસ્તારોમાં સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યો હતો.