ઈરાનમાં થયેલા બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી, 103 લોકોના આ હુમલામાં મોત થયા હતા
image : twitter
તહેરાન,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
ઈરાનના કરમાન શહેરમાં બુધવારે પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ બ્લાસ્ટમાં 103 લોકોના મોત થયા હતા અને બીજા 188 લોકો ઘાયલ તયા હતા.
ઈસ્લામિક સ્ટેટે કહ્યુ છે કે, આ વિસ્ફોટને બે આત્મઘાતી હુમલાખોરોએ અંજામ આપ્યો હતો અને તેમના નામ ઉમર અલ મુવાહિદ અને સૈફુલ્લાહ અલ મુજાહિદ હતા. કરમાન શહેરમાં શિયા મુસ્લિમો પોતાના મૃત નેતા કાસિમ સુલેમાનીની કબર પાસે સભા કરવા માટે ભેગા થયા હતા . અમારા આત્મઘાતી હુમલાખોરોએ ભીડની વચ્ચે જઈને પોતાના બેલ્ટમાં ભરેલા વિસ્ફોટકો વડે વિસ્ફોટ કર્યો હતો અને તેના કારણે 300 કરતા વધારે શિયાઓ માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. શિયાઓ એક કરતા વધારે ઈશ્વરને માને છે અને અમે તેમને જ્યાં દેખાય ત્યાં મારી નાંખવાનુ નક્કી કર્યુ છે. આ હુમલો અમારા આ જ અભિયાનનો એક ભાગ હતો.
ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધા બાદ ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ભોંઠા પડવાનો વારો આવ્યો છે. કારણકે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ આ બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવીને ધમકી આપી હતી કે, ઈઝરાયેલને પોતાના આ ગુનાની બહુ મોટી કિંમત ચુકાવવી પડશે. ઈઝરાયેલને અમે બહુ મટી સજા આપીશું.
ઈરાને આ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. જોકે હવે ઈસ્લામિક સ્ટેટે બ્લાસ્ટની જવાબદારી લીધા બાદ ઈરાનનુ વલણ કેવુ રહેશે તે જોવાનુ રહે છે.
ઈરાનના ટોચના જનરલ સુલેમાનીની 2020માં અમેરિકાએ ડ્રોન હુમલામાં હત્યા કરી હતી અને તેમની વરસી પર યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે હજારો લોકો ઉમટયા હતા.