શું મોબાઇલના ઉપયોગથી શુક્રાણુની સંખ્યા ઘટી રહી છે ? સંશોધનમાં બહાર આવી હકિકત
૨૮૦૦થી વધુ પુરુષોના વીર્યના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મોબાઇલ નહી મોબાઇલના લીધે બદલાયેલી જીવનશૈલી પણ જવાબદાર
હેગ,21 નવેમ્બર,2023,મંગળવાર
એ સાવ નિર્વિવાદ વાત છે કે ઘણા વર્ષોથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે. આ અંગે અનેક પ્રકારના સ્ટડી અને સંશોધનો પણ થયા છે. કેટલાક મોબાઇલ ફોન અને તેના તરંગોને જવાબદાર માને છે. આ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા પણ ચાલતી રહી છે. તાજેતરમાં સ્વિર્ત્ઝલેન્ડમાં મોબાઇલ ફોન અને શુક્રાણુઓની સંખ્યા અંગે એક સ્ટડી થયો હતો. આ સ્ટડી માટે ૨૮૦૦થી વધુ પુરુષોના વીર્યના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંશોધકોએ વિભિન્ન પ્રકારના ફોન વપરાશકર્તાઓને પસંદ કર્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે શુક્રાણુઓની ગતિશિલતા કે તેની સંખ્યામાં મોબાઇલના કારણે ઘટાડો થાય છે એવું કોઇ જ પ્રમાણ મળ્યું ન હતું.
ફોનને બેકપેકના સ્થાને ખિસ્સામાં રાખવાથી પણ કોઇ જ ફર્ક પડતો નથી. જો કે નિષ્ણાતોનું માનવું હતું કે મોબાઇલ નહી પરંતુ મોબાઇલના લીધે બદલાયેલી જીવનશૈલી જવાબદાર હોઇ શકે છે. જો કે આની પાછળ પણ કોઇ વૈજ્ઞાનિક તર્ક હોય તેમ જણાતું નથી. પ્રજનનક્ષમતા માટે ધુમ્રપાન, મોટાપા, દારુનું સેવન, મનો વૈજ્ઞાનિક તણાવ, કીટનાશકો વગેરેને પણ જવાબદાર ગણાવામાં આવતા રહયા છે.
અગાઉ થયેલા સંશોધનમાં જણાયું હતું કે મોબાઇલ ફોનથી ઉત્સર્જીત રેડિયો ફ્રિકવન્સી વિધુત ચુંબકિય ક્ષેત્ર માનવ પ્રજનન સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પેદા કરે છે. મોબાઇલ ફોન અને પ્રજનન સ્વાસ્થ્ય અંગના સંશોધનોમાં હંમેશા વિરોધી અને સામે છેડાના પરીણામો મળતા રહે છે આથી આ બાબતે ગહન અને માઇક્રો લેવલે સંશોધનની આવશ્યકતા છે. તાજેતરમાં થયેલા સ્ટડીના તારણ ફર્ટિલિટી અને સ્ટેરિલિટી જર્નલમાં પ્રકાશિત થયા છે.