Get The App

શું કમલા હેરિસ ભારતીય છે? દુનિયાભરમાં જાણીતા અમેરિકન રેસલરે મજાક કરતાં હોબાળો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
શું કમલા હેરિસ ભારતીય છે? દુનિયાભરમાં જાણીતા અમેરિકન રેસલરે મજાક કરતાં હોબાળો 1 - image


Image: Facebook

US Presidential Election 2024: અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને તેમના ભારતીય મૂળ માટે વિપક્ષી રિપબ્લિકન પાર્ટી અને તેમના સમર્થક નિશાને લઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક લેજેન્ડરી રેસલર હલ્ક હોગને પણ સોમવારે કમલા હેરિસની ભારતીય ઓળખની મજાક ઉડાવી છે. હોગને મજાકમાં તેના ચાહકોને સવાલ કર્યો હતો કે ‘હું કમલાને પછાડું કે નહીં.’ 

રિપોર્ટ અનુસાર હોગન ઓહાયોમાં સોમવારે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 71 વર્ષીય હલ્ક હોગને આ ઇવેન્ટમાં તેના ચાહકોને પૂછ્યું, 'શું તમે ઇચ્છો છો કે હું કમલા હેરિસને પછાડું?' હોગને પોતાના ખાસ રેસલિંગ મૂવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શું તેમના ચાહક ઇચ્છે છે કે હું હેરિસને મારી જ સ્ટાઈલમાં પછાડું?’

શું કમલા કાચિંડો છે?

હલ્કે હેરિસના ભારતીય મૂળની મજાક ઉડાવતાં પોતાના ચાહકોને આગળ પૂછ્યું, 'શું કમલા કાચિંડા જેવી છે? શું કમલા ભારતીય છે?' કમલા હેરિસના પિતા જમૈકન મૂળના અમેરિકન છે અને તેમના માતા ભારતથી અમેરિકા ગયા હતા. કમલા હેરિસની મજાક ઉડાવ્યા બાદ હોગને એ પણ કહ્યું કે ‘હેરિસ પર આ પ્રકારની કમેન્ટ્સ માટે મારા પર નિશાન સાધવામાં આવશે.’

જો કે એક મહિના પહેલા પણ હોગને કમલા હેરિસની મજાક ઉડાવી હતી. રિપબ્લિકન પાર્ટીના વાર્ષિક સંમેલનમાં બોલતાં હોગને ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા હતા.

ટ્રમ્પે કમલા હેરિસ પર વ્યક્તિગત નિશાન સાધ્યા

ડેમોક્રેટિક પાર્ટીએ પહેલા જો બાઇડનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે પસંદ કર્યા હતા પરંતુ જુલાઈમાં કમલા હેરિસે તેમનું સ્થાન લઈ લીધું. તે જ દિવસથી ટ્રમ્પ હેરિસ પર વ્યક્તિગત નિશાન સાધી રહ્યા છે. ટ્રમ્પે હેરિસ અંગે કહ્યું કે ‘મને ખબર નથી પડતી કે કમલા હેરિસ ભારતીય મૂળના છે કે બ્લેક. કમલા હંમેશાથી ભારતવંશી રહ્યા છે અને પોતાના ભારતીય વારસાને પ્રમોટ કરતા રહ્યા છે. હું થોડા વર્ષો પહેલાં જાણતો પણ નહોતો કે કમલા બ્લેક છે પરંતુ તે બ્લેક પણ થઈ ગયા અને હવે તે ઇચ્છે છે કે તેમને એક બ્લેક તરીકે ઓળખવામાં આવે. તો હું નથી જાણતો કે તે ભારતીય છે કે બ્લેક.'

રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સે પણ કમલા હેરિસ પર ટ્રમ્પની ટિપ્પણીનો બચાવ કર્યો અને કહ્યું કે ‘કમલા હેરિસ કાચિંડા જેવી છે. હેરિસ પોતાના ચાહકો પ્રમાણે પોતાની ઓળખ બદલે છે.’


Google NewsGoogle News