અફઘાનિસ્તાનમાં આઇએસનો હુમલો 14 શિયાઓની હત્યા, અનેક ઘાયલ
- ધાર્મિક સ્થળેથી પરત ફરી રહેલા શિયાઓને આતંકીઓએ નિશાન બનાવ્યા
- શિયાઓ પર થતા હુમલા અટકાવવા અનેક વિનંતી છતા તાલિબાન કોઇ કાર્યવાહી નથી કરી રહ્યું : સંયુક્ત રાષ્ટ્ર
કાબુલ : અફઘાનિસ્તાનમાં ફરી એક વખત શિયા મુસ્લિમોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શિયા બહુમત ઘોર અને દાઇકુંડી પ્રાંતમાં આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં ૧૪ લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ નામના આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના હઝારા શિયા મુસ્લિમોને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ ઇસ્લામિક સ્ટેટે તમામ શિયા મુસ્લિમોના ખાતમા માટેનું એલાન કર્યું હતું. જે બાદ હુમલામાં સતત વધારો થવા લાગ્યો છે. અફઘાનિસ્તાન પર કબજો કરનારુ તાલિબાન પણ આઇએસને સમર્થન આપી રહ્યું છે. આ હુમલાની જાણકારી આપતા તાલિબાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નસીર કનાનીએ કહ્યું હતું કે ઇરાકમાં પોતાના ધાર્મિક સ્થળની મુલાકાત બાદ પરત ફરી રહેલા અફઘાનિસ્તાની શિયા મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે હુમલાની આકરા શબ્દોમાં ટિકા કરી હતી. આ હુમલા પાછળ જે પણ લોકો જવાબદાર હશે તેને આકરી સજા આપવામાં આવશે. અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મિશને જણાવ્યું હતું કે આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો શિયા મુસ્લિમો છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને જે પણ લોકો તેની પાછળ જવાબદાર છે તેને આકરી સજા આપવાની માગ કરીએ છીએ. અફઘાનિસ્તાનમાં અધિકારોના નિષ્ણાત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ રિચર્ડ બ્રેનેટે કહ્યું હતું કે અમે આઇએસના હુમલા અંગે તાલિબાનને અનેક વખત સતર્ક કર્યું છે. જોકે કોઇ જ પગલા લેવામાં નથી આવી રહ્યા. આ હુમલા માટે આઇએસ દ્વારા એક મશિન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.