ટ્રમ્પની વાપસીથી દુનિયામાં રોકાઈ જશે યુદ્ધ? અગાઉ પણ કટ્ટર દુશ્મનો વચ્ચે કરાઇ હતી મિત્રતા
Donald Trump Foreign Policy: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ બની ગયાં છે. આવનાર બે મહિનામાં તે અમેરિકન પ્રમુખ તરીકેની શપથ લેશે. જોકે, ટ્રમ્પ શપથ લે તે પહેલાં જ યુદ્ધમાં સામેલ દેશોમાં હલચલ શરૂ થઈ ચુકી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પના આવ્યા બાદ યુદ્ધ રોકાઈ શકે છે. આ અંદાજો એક અફવા નથી, પરંતુ પોતાના અગાઉના કાર્યકાળમાં ટ્રમ્પે ઘણાં દેશોને હાથ મિલાવવા મજબૂર કરી દીધા હતાં, જે એકબીજાના કટ્ટર દુશ્મન હતાં.
મૉસ્કો અને કીવ મામલે શું થશે?
સૌથી પહેલાં વાત કરીએ રશિયા અને યુક્રેન યુદ્ધની જે ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે યુદ્ધનો ઉલ્લેખ કરી તેને રોકવાની વાત કરી હતી અને આવું ઘણી હદ સુધી સંભવ છે. જો યુદ્ધ ન રોકાય તો ટ્રમ્પના કહેવા પર મૉસ્કો અને કીવ બંનેની વચ્ચે સીઝફાયર તો થઈ જ શકે છે.
ઘણી હદે શક્ય છે કે, બંને દેશ વચ્ચે સમજૂતી થઈ જાય, જેમાં રશિયાને 2014ના યુદ્ધમાં કબજે કરાયેલા ક્રિમિયા પર અધિકાર મળી જાય અને વર્ષ 2022 બાદથી રશિયાએ જેના પર પણ કબ્જો કર્યો તે યુક્રેનને પરત આપી દેવામાં આવે.
બંને દેશ ટ્રમ્પની વાત કેમ માનશે?
બીજા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખથી અલગ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ઘણાં સારા સંબંધ ધરાવે છે. ખુદ ટ્રમ્પે પુતિન સાથે શાનદાર વ્યક્તિગત સંબંધોનો ઘણીવાર ઉલ્લેખ કર્યો છે. સંભવ છે કે, ટ્રમ્પની વાપસીથી રશિયા પર લાગેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવે. બંને તરફના ફાયદાને જોતા મૉસ્કો ટ્રમ્પની વાત માની શકે છે. આ જ હાલત યુક્રેનની પણ છે. ત્રણ વર્ષમાં રશિયા જેવા મોટા દેશ સાથે યુદ્ધ માટે યુક્રેનને અમેરિકા પાસેથી ઘણી મદદ મળી. હવે સત્તા બદલાઈ ગઈ છે. બની શકે કે, ટ્રમ્પની મદદ માટે સીધો ઈનકાર ન કરતાં યુક્રેનની દુખતી નસ પકડી લે. જેનાથી પહેલાંથી કમજોર પડેલું કીવ વધુ મુશ્કેલીમાં પડી શકે છે.
અન્ય કારણ
યુક્રેન થોડા સમયથી ખુદને નાટોમાં સામેલ કરવાની ભલામણ કરી રહ્યું છે. વળી, રશિયા તેની વિરૂદ્ધમાં છે. ટ્રમ્પ પાસે એટલી તાકાત છે કે, તે આ મામલાને પણ કોઈ પરિણામ સુધી લાવી શકે છે. નોંધનીય છે કે, અમેરિકા નાટોનું સૌથી મોટું ફંડર રહ્યું અને ટ્રમ્પ ઘણીવાર ધમકી આપી ચુક્યા છે કે, તે નાટોનો સાથ છોડી દેશે. આ એવી ધમકી છે, જે સમગ્ર પશ્ચિમને હચમચાવી શકે છે.
મધ્ય-પૂર્વમાં શું થશે?
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ એકસાથે ઘણાં મોરચા પર લડી રહ્યું છે. પેલેસ્ટાઇનમાં હાજર હમાસ તેના પર હુમલાવર રહ્યું. સાથે જ ઈરાન અને તેની સાથે જોડાયેલા કટ્ટરપંથી પણ ઈઝરાયલને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હિઝબુલ્લાહ પણ વચ્ચે-વચ્ચે આક્રામકતા બતાવી રહ્યું છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ઈઝરાયલના પક્ષમાં રહ્યા છે. સાથે જ ઈરાનને લઈને તેમનું સખત વલણ ગત ટર્મમાં પણ જોવા મળ્યું છે. અહીં મામલો સ્પષ્ટ છે કે, ઈઝરાયલને મદદ કરતાં તે ઈરાનના ફંડિંગ પર ઉછરી રહેલાં કટ્ટરપંથી સમૂહ જેવા કે, હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિઓને કમજોર કરી શકે છે.
ચીનને ભણાવશે પાઠ?
ચીન હાલ એક એવો દેશ છે, જે કોઈ સાથે સીધુ યુદ્ધ નથી કરી રહ્યું, પરંતુ પાડોશીઓ સાથે સતત તણાવમાં રહે છે. બજાર અને વ્યૂહનીતિ પર અમેરિકા સાથે તેની સીધી લડાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉના કાર્યાકાળમાં ચીનને સાધવા માટે ઘણી નીતિઓ બનાવી હતી, જેથી તેની આક્રામકતા ઘણી હદ સુધી ઓછી થઈ શકે. ત્યારબાદ જો બાઇડેને પણ આ પોલિસી શરૂ રાખી.
ગઈ વખતે ટ્રમ્પે ચીનથી આવેલા સામાન પર ભારે ટેક્સ લગાવી દીધા હતાં, જેથી આયાત ઓછી થાય અને અમેરિકા પોતાનું ઉત્પાદન બનાવે. આ ચલણ અપનાવી દક્ષિણ ચીન સાગર પર પણ ટ્રમ્પે ઘણાં કડક પગલાં લીધા હતાં, જેથી ચીનને સમુદ્ર પર કબ્જો કરવાથી રોકી શકાય. આ મામલે પણ તેમનું જૂનું વલણ ફરી દેખાઈ શકે છે, પરંતુ વેપાર અને વ્યૂહનીતિ પર ટ્રમ્પ ઘણાં નવા નિર્ણય પણ લઈ શકે છે, જે અમેરિકા અને ચીન વચ્ચેનું સંબંધોમાં નવો વળાંક લઈ શકે છે.
યુદ્ધમાં સામેલ દેશો વચ્ચે ટ્રમ્પની વાપસીથી જે આશા જાગી છે, તેની પાછળ ટ્રમ્પનો જૂનો રેકોર્ટ છે. જૂના કાર્યકાળમાં ટ્રમ્પે ઘણી સમજૂતી અને કરાર કરાવ્યા હતાં, જેમાંથી ઘણાં અંજામ નહતાં આપી શકાય પરંતુ પ્રયાસ જરૂર કરાયા હતાં.
આ દેશો વચ્ચે કરાવી સમજૂતી
ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે મુલાકાત કરી કોરિયાના પ્રાયદ્વીપમાં તણાવને ઓછો કરવાના પ્રયાસ કર્યાં. આ મુલાકાત કોઈ નક્કર પરિણામ પર ન પહોંચી શકી, પરંતુ નોર્થ કોરિયાની આક્રામકતાને થોડા સમય માટે ઓછી જરૂર કરી દીધી.
અફઘાનિસ્તાનમાં સંઘર્ષ ઓછો કરવા માટે ટ્રમ્પ સરકાર દરમિયાને દોહા કરાર કરવામાં આવ્યો. જે હેઠળ અમેરિકન સેના અફઘાનિસ્તાનથી પરત આવી, જેથી તાલિબાન અને સ્થાનિક સરકારમાં તાલમેલ બેસી શકે. જોકે, આ ગણિત પણ ખાસ ઠીક ન બેઠું.
ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે અબ્રાહમ કરાર સૌથી મોટી જીત હતી. જેના કારણે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ), બહરીન, મોરક્કો અને સૂડાન જેવા અરબ દેશોના સંબંધ ઈઝરાયલ સાથે ઘણી હદે સુધર્યાં. ઘણાંએ ત્યારે જ ઈઝરાયલને દેશની માન્યતા આપી.
નોબેલ પુરસ્કાર સુધી પહોંચી વાત
ટ્રમ્પની વિદેશ નીતિમાં મિડલ ઈસ્ટ અને કોરિયાઈ પ્રાયદ્વીપમાં સ્થિરતા પર ઘણું ફોકસ હતું. ત્યાં સુધી કે, હંમેશા અમેરિકા સામે આગ ઓકતું ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ સાથે પણ ટ્રમ્પે ત્રણવાર મુલાકાત કરી. આ શાંતિ વાર્તાઓનો એજન્ડા કોરિયામાં સ્થાયી શાંતિ લાવવાનો હતો. જોકે, આ શક્ય ન બન્યું, પરંતુ આટલા મોટા પ્રયાસ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થઈ ગયું. એટલે કે, ટ્રમ્પના પ્રયાસ આંતરરાષ્ટ્રીય મંચ પર અસર બનાવી ચુક્યા હતાં. જોકે, તેઓને આ પુરસ્કાર મળી ન શક્યો.