VIDEO: અસદની જેલમાં અપાતું હતું નરક કરતાં પણ ભયાનક મોત, ‘આયરન પ્રેસ’થી લાશને કચડી નખાતી
Syria News : સીરિયામાં બળવાખોરોએ ગૃહયુદ્ધ કરીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકાર ઉખેડી ફેંકી છે. અસદ હાલ રશિયાના મોસ્કો શહેરમાં આશરો લઈ રહ્યા છે. સીરિયાના લોકોએ પણ રસ્તા ઉપર ઉતરી આવી તખ્તાપલટની ઉજવણી કરી છે. બળવાખોરોએ સીરિયાના દમિશ્ક શહેરને પણ કબજે કરી લીધું છે અને તેઓએ અહીં એક ‘ભયાનક જગ્યા’ એટલે અસદની ડરાવની જેલ જોયા બાદ ચોંકી ગયા છે.
જેલમાં લાશ કચડી નાખવાનું મશીન
બળવાખોરોએ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અસદના નરક લોક એટલે કે જેલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેઓ ‘લાશ કચડવાનું મશીન, લોહીના નિશાન, લાશોનો ઢગલો અને અંડરગ્રાઉન્ડ જેલની નરક જેવી સ્થિતિ જોઈ ફફડી ગયા છે. અસદ સીરિયા છોડીને જતો રહ્યો છે, જોકે તેણે લાખો લોકોને અસહ્ય યાતનાઓ આપી મોતને ઘાટ ઉતાર્યા છે અને આ ભયાનક નિશાનો આજે પણ સીરિયાની જેલમાં જોવા મળી રહ્યા છે.
સિડનાયા જેલની સ્થિતિ જોઈ ચોંકી ગયા
બળવાખોરોએ દમિશ્કમાં કબજો કર્યા બાદ જેલમાં યાતનાઓ ભોગવી રહેલા લોકોને કાઢવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન તે લોકો જેલની સ્થિતિ જોઈને ચોંકી ગયા છે. જેલમાં અનેક ડરામણી વસ્તુઓ જોવા મળી છે. સૌથી ભયાનક સ્થિતિ સિડનાયા જેલમાં જોવા મળી છે, જ્યાં લાશ કચડી નાખવાનું ‘પ્રેસ’ મળી આવ્યું છે.
સિડનાયા જેલના વીડિયો વાયરલ
બળવાખોરોએ સિડનાયા જેલમાંથી પણ બંધકોને બહાર કાઢ્યા છે. સીરિયાની ચેનલોમાં આ જેલનો વીડિયો ચાલી રહ્યો છે, જેમાં ભયાનક ખોફ જોવા મળી રહ્યો છે. આ જેલની સ્થિતિ નરકથી પણ બદતર જોવા મળી રહી છે. બળવાખોરોએ કહ્યું કે, સિડનાયા જેલમાં સૌથી વધુ લોકોને ફાંસી અપાતી હતી. અહીં બળવાખોરો અને યુદ્ધના બંધકોને લવાયા અને તેમને અસહ્ય યાતના અપાતી હતી. આ લોકોને ફાંસી પહેલા અંડરગ્રાઉન્ડ જેલોમાં રખાતા હતા. અહીં જેલમાં બંધ લોકોને સ્વચ્છ પાણી કે ખાવાનું પણ અપાતું ન હતું. એટલું જ નહીં ફાંસી દીધા બાદ પણ અસદને સંતોષ થતો ન હતો અને તેમની લાશોને એક મશીનમાં નાખી કચડી નાખતો હતો. એક અહેવાલ મુજબ, અસદે અંદાજે 1,10,000 વિરોધીઓને કેદ કર્યા અને મોતને ઘાટ ઉતાર્યા હતા.