ઈરાકમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં લાગી ભયંકર આગ, 14 લોકોનાં મોત, 18ની હાલત ગંભીર
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની જાણ થઈ
આગ પર મોડી રાત સુધીમાં કાબૂ મેળવી લેવાયો
image : Twitter |
Iraq University Fire: ઈરાકના ઉત્તરે આવેલા ઈરબિલ શહેરમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 14 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 18થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. સોરનના સ્વાસ્થ્ય નિર્દેશાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદે કહ્યું કે ઈરબિલના પૂર્વમાં એક નાનકડા શહેર સોરનમાં એક હોસ્ટેલમાં આગની ઘટના બની હતી. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની પુષ્ટી કરી હતી.
આગ લાગવાનું કારણ શું હતું?
સ્થાનિક સમાચાર એજન્સી રુદાવે જણાવ્યું કે આગ પર મોડી રાત સુધીમાં કાબૂ મેળવી લેવાયો હતો. શરૂઆતની તપાસમાં જાણ થઈ કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. આ વિસ્તાર કુર્દિસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દિસ્તાનના વડાપ્રધાન મસરૌર બરજાનીએ આ ઘટના અંગે એક તપાસ સમિતિની રચના કરી હતી.